ગાંધીજીના સ્વપ્નનું ભારત


ગાંધીજીના  સ્વપ્નનું  ભારત 

“માનવી પ્રેમનું મંદિર બનાવે નહીં કે પથ્થરનું”

સત્યના શોધકે મૌન રહેવું જોઈએ.સત્ય એજ ઈશ્વર છે.”
કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.”
“મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
“જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
“તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી. 
મહાત્મા ગાંધીના આ વિચારો આજે પીએન ઉત્તમ ભારત નહીં પીએન ઉત્તમ વિશ્વ બનાવવા માટે સમર્થ છે.

ગાંધીજીના સ્વપ્નનું ભારત પ્રેમ,શાંતિ,કોમી એખલાસ અને સમાનતાનું હતું.દેશ પ્રગતિના પંથે આગળ વધે અને કાયમી એકરૂપતા-ભાઈચારો જળવાઈ રહે.સત્ય દરેક ભારતીયનું ઘરેણું હોય અને અહિંસા દેશમાથી કાયમી ધોરણે દૂર થઈ જાય.ગાંધીજીનું સ્વપ્ન આઝાદી મળ્યા પછી સુરાજ્ય બનાવવાનું હતું. જ્યાં સુધી સુધી દરેક વ્યક્તિ પોતાનો નિષ્ઠાપુર્વક નાગરીક ધર્મ નહીં નિભાવે ત્યાં સુધી આપણને સુરાજ્ય મળવાનું નથી.તેઓ કહેતા કે, સ્વછતા જીવનનો ભાગ-માણસનો સ્વભાવ બનવો જોઇએ’’ સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ગંદકી ત્યાં માંદગી થાય છે.

“મેં ઘણીવાર જાહેર કર્યું છે કે હું ઘણા લોકોના જીવનમાંથી ઘણું શીખ્યો છું પણ કવિશ્રી (શ્રીમદ્જી)ના જીવનમાંથી મને સૌથી વધારે શીખવા મળ્યું છે. તેમના જીવનમાંથી હું કરુણાનો પાઠ ભણ્યો છે.”આ શબ્દો 1921માં મહાત્મા ગાંધીએ અમદાવાદમાં ઉચ્ચાર્યા હતા.ગાંધીજી જે વ્યક્તિ વિશે આ શબ્દો ઉચ્ચાર્યા છે એ છે શ્રીમદ્ રાજચંદ્રજી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચંદ્રજીને પોતાના આધ્યાત્મિક ગુરુ ગણાવે છે. ગાંધીજીનું સ્વપ્ન હતું કે,ભારતમાં લોકોમાં દયા, ધર્મ, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય જેવા પાયાના સિદ્ધાંતો કાયમી ટકી રહે.દરેક ભારતીય કરુણાને દિલમાં ટકાવી રાખી કાર્ય કરે તો કહી શકાઈ કે મેરા ભારત મહાન.
ગાંધીજી કહેતા કે,અસ્પૃશ્યતાએ હિંદુ ધર્મનું અંગ નથી, પણ એમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, અને તેનું નિવારણ કરવુંએ પ્રત્યેક હિંદુનો ધર્મ છે.તેનું પરમ કર્તવ્ય છે. આ અસપૃશ્યતા વેળાસર નાબુદ ન કરવામાં આવે તો હિંદુ સમાજ અને ધર્મની હસ્તી જોખમમાં છે. જન્મના કારણથી મનાયેલી આ અસ્પૃશ્યતામાં અહિંસા ધર્મનો અને સર્વભૂતાત્મભાવનો નિષેધ થઈ જાય છે. અને મૂળમાં સંયમ નથી, પણ ઊંચપણાની ઉદ્ધત ભાવના જ રહેલી છે. આથી એ સ્પષ્ટ અધર્મ જ છે. એણે ધર્મને બહાને લાખો કે કરોડોની સ્થિતિ ગુલામ જેવી કરી મુકી છે.મારો ભારત દેશ સહુને સમાનતાથી જુએ,સ્વીકારે,પ્રેમ કરે.
            સમાજની ગંદકીને દૂર કરી તેને રોજ રોજ સાફ રાખવાનું કાર્ય પવિત્ર છે એ કાર્ય નિયમીત રીતે ન થાય તો આખો સમાજ મરણતોલ દશામાં આવી પડે. સફાઈના કામનો દરજ્જો સમાજને આવશ્યક બીજા કામોના જેટલો જ ઊંચો સમજવો ઘટે છે. એ કામમાં અનેક સુધારાઓને અવકાશ છે. સંસ્કારી લોકોએ કામ કરતા થઈને ઘણા સુધારા કરી શકે.

 

 

 

મારા સ્વપ્નનું ભારત ગાંધીજીના શબ્દોમાં

 માતૃભાષા અને વિશ્વભાષા.હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.


મારા સ્વપ્નના ભારતમાં પત્રકારત્વ કેવું હોવું જોઈએ?એ અંગે ગાંધીજી કહેતા,‘હું જરૂર માનું છું કે... અનીતિભરેલી જાહેરખબરથી વર્તમાનપત્રો ચલાવવાં એ ખોટું છે. હું એમ પણ માનું છું કે જાહેરખબર લેવી જ હોય તો તેની ઉપર વર્તમાનપત્રોના માલિકો અને અધિપતિઓએ નીમેલી કડક ચોકીદારી હોવી જોઈએ, અને માત્ર સ્વચ્છ જાહેરખબરો જ લેવાવી જોઈએ. આજે અતિશય પ્રતિષ્ઠિત કહેવાતાં વર્તમાનપત્રો અને માસિકોને આ દુષિત જાહેરખબરોનું અનિષ્ટ વળગવા લાગ્યું છે. એ અનિષ્ટ તો વર્તમાનપત્રોના માલિકોની વિવેકબુદ્ધિ શુદ્ધ કરીને જ ટાળી શકાય. આ શુદ્ધિ મારા જેવા શિખાઉ વર્તમાનપત્રકારના પ્રભાવથી ન આવી શકે, પણ તે તો જ્યારે તેમની વિવેકબુદ્ધિ આ વધતા જતા અનિષ્ટને વિષે પોતાની મેળે જાગ્રત થાય, અથવા તો પ્રજાના શુદ્ધ પ્રતિનિધિત્વવાળું અને પ્રજાની નીતિ વિષે ખબરદારી રાખનારું રાજ્યતંત્ર તે વિવેકબુદ્ધિ જાગ્રત કરે તો થઈ શકે.

ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે.

ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી.

હિંદુસ્તાન પૃથ્વીના એવા થોડાક દેશ માંહેનો એક છે જેમણે વહેમ અને ભ્રમથી મલિન થઈ ગયેલી પણ પોતાની કેટલીક પ્રાચીન સંસ્થાઓ સાચવી રાખી છે, પણ આજ સુધી વહેમ અને ભમ્ર દૂર કરવાની સહજ શક્તિ હંદુસ્તાને બતાવી છે. હિંદુસ્તાન તેની કોટિ કોટિ પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા, કદાપિ નહોતી એટલી આજ ઉજ્જવળ છે.

મને લાગે છે કે હિંદનું મિશન બીજા દેશો કરતાં જુદું
  છે. હિંદુ ધર્મની બાબતમાં જગતમાં સર્વોત્તમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિંદને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે. યુરોપમાં ચાલી રહેલું ભયંકર યુદ્ધ આ સત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઇતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે.

હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ ત્યારે તેનું મારા હૃદયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે. હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે. હું ચોક્કસ માનું છું કે હિંદ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે--સંદેશો છે. તેણે યુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હું એ કસોટીમાં ઓછો નહીં ઊતરું. મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિંદુસ્તાન માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિંસા મારફત હિંદુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. ૫

જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે, અને હું જીવતો હોઉં તો હું ભારતમાં રહેવાની પરવા ન કરું. પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હું ભારતને વળગી રહ્યો છું કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જેવી થશે.

હું હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. હિંદુસ્તાનની સ્વતંત્રતાને પરિણામે આખી દુનિયાની સુલેહ અને લડાઈને લગતું દૃષ્ટિબિંદુ પલટાઈ જવાનું જ. અત્યારની તેની પામરતા આખી માનવજાતિને નડી રહેલ છે. ૭

પશ્ચિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુદ્ધિમત્તા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઇજારો નથી. પશ્ચિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે છે; જે અનુકરણ એશિયાના લોકો પશ્ચિમમાંથી આવતી દરેક વસ્તુની માત્ર નકલ કરવા જેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હું ચોક્કસ માનું છું કે હિંદુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જેટલી અને પોતાની સંસ્કૃતિ જે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતા આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતા હુમલા સામે થવા જેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીત પ્રગતિ કરવામાં કાયમી ફાળો આપી શકે. ૮

હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી--પશ્ચિમ જ એથી કંટાળ્યું છે -- પણ સાદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે પશ્ચિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાયએમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કરમ કસવી જોઈએ. ૯

યુરોપનો સુધારો યુરોપિયનનો માટે જરૂર અનુકૂળ છે, પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અનિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે; અને હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદૃષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારો અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. સાદી રહેણી અને ઊંચા વિચારએ એક પશ્ચિમના ફિલસૂફનું સૂત્ર આપણે આણા હૃદય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોક્સ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો-જેઓ આમવર્ગને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ-- ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ.

હું જે બંધારણને માટે પ્રયત્ન કરીશ તે હિંદુસ્તાનને ગુલામી અને આશ્રિત દશામાત્રમાં છોડવાનારું, અને તેને જરૂર પડ્યે પાપ કરવાનો હક આપનારું હશે. મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય; જે ભારવર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેંફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર રાખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે... હું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો