ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો

જીના ઇસીકા નામ હૈ!

-ચંદ્રકાંત ઝવેરી

કર્મ માટે માત્ર આત્માની શુધ્ધિ અને મનની મક્કમતા જોઈએ.માનવીએ અચૂક યાદ રાખવું કે તે ક્યારેય વૃધ્ધ કે નિવૃત નથી જ થતો.સતત યુવાન રહી જીવનનેજીવંતરાખવુંજોઈએ.

 કર્ણાટકના પુર્વ સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત શિક્ષક શરણાબસવરાજ બીસારાહલ્લી (Sharanabasavaraj Bisarahalli)પાસે કાયદાની તેમજ અન્ય બે વિષયો એમ ત્રણ વિષયોની માસ્ટર્સ ડીગ્રીઓ છે !

હાલ,૮૯ વરસની વયે શરણાબસવરાજ કન્નડ સાહિત્ય પર પીએચડી ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહ્યા છે,આ અગાઉ પીએચડી માટેની પ્રવેશપરીક્ષામાં ૫૫% આવવાથી બસવરાજને પ્રવેશ મળ્યો નહતો પણ તેઓએ બીજી વખત પરીક્ષા આપીને જરુરી ૬૬% ઉપરાંત માર્ક મેળવી લીધા છે !છ સંતાનોના પિતા શરણાબસવરાજ પી.એચ.ડી. ની પરીક્ષા આપતા કદાચ પ્રથમ વિદ્યાર્થી હશે.

ગાંધીજીના જીવન કાર્યોથી પ્રભાવિત હોવાથી શરણાબસવરાજે તેમના ગામ કોપ્પલની શાળામાં નોકરી સ્વીકારી સાદગીપુર્ણ જીવન જીવી પોતાની માતા રાછમ્માની સલાહ પાર પાડવાનું ધ્યેય રાખ્યું હતું !

શાળાની નોકરીની ફુરસદ વખતે તેઓએ જુદાંજુદાં વિષયો પર ૧૫ જેટલા પુસ્તકો પણ લખ્યા હતા તેમજ જુદી જુદી માસ્ટર્સ ડિગ્રીની પરીક્ષાઓ સફળતાથી પાર પાડી હતી !

તેઓએ તેમના દરેક વિધાર્થીને ઉત્તમ શિક્ષણ સાથે જીવન જીવવાની સરસ કેળવણી પણ આપી હતી !

શરણાબસવરાજને શિક્ષક તેમજ સ્વાતંત્ર્ય સેનાનીનું જે પેન્શન મળે છે એ તેઓ સામાજીક કામ, કોઈ વિદ્યાર્થી કે કોઈ જરુરિયાતમંદને દાન કરી દે છે !

પોતાની આ ડીગ્રીઓ મેળવવાની ઘેલછાનું રહસ્ય જણાવતા શરણાબસવરાજ કહે છે કે મારા પિતા ઉચ્ચ શિક્ષણના વિરોધી હતા પરંતુ મારી માતા રાછમ્મા મને સલાહ આપતી કે જીવનમાં જેટલું શિક્ષણ મેળવાય તેટલું મેળવતા રહેવું !તેઓએ એમનાં છ સંતાનોને સારું શિક્ષણ પૂરું પાડ્યું હતું.પી.એચ.ડી. નું પતે એ પછી પણ ‘Vachana Sahitya’ ના વિષયમાં આગળ અભ્યાસ કરવાની તેઓ નેમ રાખે છે.આમ તેઓ આજીવન વિદ્યાર્થી તરીકેનું જીવન જીવી રહ્યા છે.

૮૯ વરસની જૈફ વયે પણ એમની માતાએ બાળપણમાં આપેલી સલાહનું સતત પાલન કરતા આવ્યા છે. આજીવન વિદ્યાર્થી શરણાબસવરાજનું આ પ્રેરક જીવન કથન વાંચી સૌ વાચકોના મનમાં થશે કે –

“ जीना इसीका नाम है !”

--------------------------------

અમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ભીની કર્યા વગર ન રહે – માત્ર ભીની જ નહીં કરે, તે તમારી નજરને થોડી વધુ તેજીલી અને વધુ સ્નેહભરી બનાવ્યા વગર નહીં રહે.

પોતાનાં કાવ્યો વિશે ઈમિલી ડિકિન્સન કહે છે : ‘આ (કાવ્યો) જગતને મેં લખેલો એક પત્ર છે. દુનિયાએ મને કદી જવાબ આપ્યો નથી. મારો આ સંદેશો મેં નહીં જોયેલા હાથમાં હું મૂકું છું. એને સદભાવથી મૂલવજો.’

ઈમિલી અમેરિકામાં એમહર્સ્ટ (મેસેચ્યુસેટ્સ) ખાતે ઈ.સ. 1830માં જન્મી હતી અને છપ્પન વર્ષની ઉંમરે ઈ.સ. 1886માં મૃત્યુ પામી. તેણે લગભગ સત્તરસો કાવ્યો લખ્યાં હતાં પણ તેમાંથી બહુ જૂજ કાવ્યો તેના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. એકપણ કાવ્યસંગ્રહ તેની હયાતીમાં બહાર પડ્યો નહોતો. તેના મૃત્યુ પછી તેના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. રાતદહાડો શ્રમ કરીને તે ગુજારો કરતી હતી. ઘર છોડીને તે કદી ક્યાંય ગઈ નહોતી, પણ તેની કવિતામાં તે તેના વાસ્તવિક જીવનની બધી જ મર્યાદાઓને ઓળંગી જાય છે. તેની પાર તે તમને ધરતી પર અને આકાશમાં ઠેરઠેર સફર કરાવે છે. ઈમિલી જીવનની, પ્રેમની, પ્રકૃતિની અને અમરત્વની કવિતા કરે છે. તેની કવિતાના વિષયો અને તેમાં પ્રગટ થતી ઊર્મિઓ પ્રત્યેક વ્યક્તિને ‘પોતીકાં’ લાગે છે.

ઈમિલી એટલી શરમાળ છે કે તે માત્ર એકાંતમાં પોતાની જાત સાથે જ જીવે છે. એની આકાંક્ષા એક જ છે : ‘જો હું કોઈક એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતું બચાવી શકું તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી.’ તેની એક નાનકડી કવિતામાં તે આગળ કહે છે : ‘જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકું, કોઈકની પીડાને થોડી હળવી કરી શકું અગર કોઈ એકાદ મૂર્છિત પંખીને તેના માળામાં પાછું મૂકી શકું તો મને લાગે છે કે હું છેક નિરર્થક નથી જીવી.’

ઈમિલી માટે કવિતા શ્વાસોચ્છવાસ જેવી સહજ છે. તેને દુનિયાદારીના ભપકા-દમામ ગમતા નથી. એક કાવ્યમાં તે કહે છે : ‘પહેલા હૃદય આનંદ માગે છે અને પછી વેદનામાંથી છુટકારો અને પછી વેદનાને બૂઠી બનાવનારાં કંઈક દર્દશામકો અને પછી ‘ઊંઘી’ જવાનું અને પછી-ઈશ્વરેચ્છા-મૃત્યુની મુક્તિ !’ એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે.

એક ઓર કાવ્યમાં કહે છે : ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે ? મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે ? હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ એક બીજી રચનામાં એ કહે છે : ‘વેદનાની આરપાર નિહાળેલો આનંદ કેટલો રમણીય લાગે છે ! મળવો અસંભવ હોવાથી કેટલો સુંદર દેખાય છે ! દૂરદૂરનો પહાડ હીરા-માણેક જેવો દેખાય છે. નજીક જઈએ ત્યાં હીરા ઝાંખા પડી જાય છે અને માત્ર આકાશ નજરે પડે છે.’

જીવતાં હોવું એ જ આનંદ :

જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો ‘દલ્લો’ લૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા – પોતાનો ‘દલ્લો’ બચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કિંમતી પોશાક તૈયાર કરવામાં અને કિંમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમાયા તેનું ‘માનપત્ર’ પણ તૈયાર થઈ જાય – પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. પણ આપણે જે જાતજાતની ચીજોની પાછળ દેખાદેખીથી દોડ્યા, તેમાં વારંવાર પેટ ઉપર ચાલ્યા અને પેલા મસ્ત મિજાજનું તો સત્યનાશ કાઢી નાખ્યું. માણસ જીવવામાં પણ કોઈકની નકલ કરે છે, જાણ્યે કે અજાણ્યે, તે પોતાની જિંદગીની કોઈ મૌલિક કિતાબ લખવા બેસતો જ નથી.

કેટલાક માણસો માને છે, સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતના માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી ! બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંય સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને ‘સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબ’ સમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે ! એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવો-બસ ! એ માટે ભલે બધું જ હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું તો રહ્યું જ નથી. જીવતા કે મૂઆ પછી વીમાની એક પોલિસી પાકે એટલું જીવ્યા. બાકી, જીવવા જેવું જે ઘણુંબધું હતું તે તો ન જ જીવ્યા.

પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યા હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત – આ બધામાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની, નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.

-------------------------------

એક સંનિષ્ઠ શિક્ષક આનંદ કુમાર અને એનું ”સુપર-૩૦” અભિયાન

-શૈલેષ રાઠોડ

 

સમાજને સાચા માર્ગે ચલાવવાવાની અને મૂલ્યોનું સિંચન કરી પથદર્શક બનવાની સૌથી મોટી જવાબદારી ઈશ્વરે શિક્ષકને સોંપી છે એવું હું સ્પષ્ટ માનું છું. શિક્ષનો વ્યવસાય પવિત્ર અને સન્માનીય છે.મન ખોલી,દિલ થી ઈશ્વર કાર્યમાં ઝંપલાવનાર શિક્ષક આજે વિશ્વના શ્રેષ્ઠ ઉદાહરણો બન્યા છે.

બિહારમાં સેવારત આનંદકુમારની કાર્યપધ્ધતી અને સેવાનિષ્ઠાની વાત હું હમેશા મારા સેમિનારમાં તેમજ મારા સાથી શિક્ષક મિત્રો,વિધાર્થીઓને કરું છું.

બિહારમાં ભણીને ગ્રેજયુએટ થનાર આનંદકુમાર ટપાલ ખાતામાં કારકુનની નોકરી કરનારના પુત્ર છે !

બાળપણથી ગણિતમાં રસ હોવાથી તે વિષય પર જ્ઞાન એકત્રિત કરતા રહીને ગણિત પર નંબર થિયેરી પર લેખ લખે છે,જે મેથેમેટિક્સના ગેઝેટમાં પ્રકાશિત થતાં તેઓને વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનીવર્સીટી  એડમીશન આપે છે !

અચાનક પિતાનું અવસાન થતાં અને વિદેશ ભણવા જવાની આર્થીક પરિસ્થિતિ ન હોવાથી,આનંદકુમાર કેમ્બ્રિજ જઈ શકતા નથી !

તેઓ દિવસે પોતાનો ગણિત અભ્યાસ ચાલુ રાખે છે અને સાથે સાથે પોતાની માતા સાથે પાપડ વેચવાનું કામ કરતા રહે છે !

પુસ્તકો ખરીદ કરવાની સ્થિતિ ના હોવાથી,દર અઠવાડિયે બનારસ જઈને ત્યાંની લાયબ્રેરીમાં રહેલા ગણિતના ગ્રંથોનો અભ્યાસ કરે છે !
૧૯૯૨ માં આનંદકુમાર રૂ.૫૦૦ના ભાડાની રૂમમાં રામાનુજમ ઇન્સ્ટીટ્યુટ નામથી ગણિતના ક્લાસ ખોલે છે !

૨૦૦૦ની સાલમાં આનંદકુમાર પાસે એક ગરીબ પણ તેજસ્વી વિધાર્થી આઈઆઈટીની ટ્રેનીગ લેવા આવે છે પણ પોતાની પાસે કોઈ રકમ નહિ હોવાથી મફત શિક્ષા આપવા કાકલુદી કરે છે,તેની વિનંતીઓ આનંદકુમારનું દિલ ઝંઝોળી નાખે છે !

બીજા વર્ષે આનંદકુમાર એની ખુબ જાણીતી બનેલ સુપર ૩૦ની સ્કીમ દાખલ કરે છે !

આ સ્કીમ અન્વયે આનંદકુમાર દર વરસે ૩૦ ગરીબ પણ તેજસ્વી વિધાર્થીઓ પસંદ કરીને તેઓને આઈઆઈટીની પ્રવેશ પરિક્ષા સફળતા પૂર્વક પાસ થવાનું કોચિંગ તદન મફતમાં આપે છે !
આ અંગે થતો ખર્ચ આનંદકુમાર પોતાના ગણિતના ક્લાસની આવકમાંથી કાઢે છે !
આજ સુધી આનંદ્કુમારે ૩૬૦ વિધાર્થીને મફત કોચિંગ આપ્યું છે,તે પૈકી લગભગ ૩૦૮ વિધાર્થી આઇઆઇટી માં પ્રવેશ મેળવી ચુક્યા છે !
આજે આનંદકુમાર પાસે રૂપિયાનો ઢગલો ખડકીને કોચિંગ મેળવવા ઘણા ધનવાન સંતાનો આવે છે પરંતુ દર વરસે આનંદકુમાર ફક્ત ૩૦ તેજસ્વી ગરીબ વિધાર્થી શોધીને તેને જ શિક્ષા આપે છે !

૨૦૦૯ માં ડીસ્કવરી ચેનલએ આનંદકુમાર પર એક કલાકનો પ્રોગ્રામ પ્રસારિત કર્યો હતો ! લિમ્કા બુક,ટાઈમ્સ મેગેઝીન વિગેરે આનંદકુમારની પ્રશંસા કરી છે !

અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ પોતાના અંગત પ્રતિનિધિ રશ્દ હુસેનને પટના મોકલીને આનંદકુમારનું સન્માન કર્યું હતું!

બ્રિટન એક મેગેઝીને વિશ્વના ૨૦ શ્રેષ્ઠ શિક્ષકના લીસ્ટમાં આનંદકુમારનું નામ સામેલ કર્યું છે,બિહાર અને મધ્ય પ્રદેશની સરકારે આનંદકુમારને એવોર્ડ આપ્યા છે !બેંક ઓફ બરોડા – મુબઈએ પણ એક એવોર્ડ આપ્યો છે !

આવા સંનિષ્ઠ શિક્ષકને આનંદકુમારને હજુ સરકારી પદ્મશ્રી મળ્યો નથી,એ એક આશ્ચર્ય છે.

---------------

હકારાત્મક અભિગમ હશે તો ચિંતા, સ્ટ્રેસ, ઈર્ષ્યા દૂર રહેશે
- બી. કે. શિવાની
જીવનમાં સકારાત્મક ચિંતન કરવું જરૂરી છે, નહીંતર ચિંતા, સ્ટ્રેસ વગેરે તમને મળ્યા જ કરશે. માણસનું ચિંતન ખૂબ જ અલગ-અલગ અને કૃત્રિમ હોય છે. હવે તમારી પાસે કોઇ કાર હોય અથવા નથી તો એવું વિચારો કે કાર નથી તો તમે દુ:ખી થઇ જાવ છો કે મારી પાસે કાર નથી. જો કાર હોય અને તમારી બહેન નવી કાર લે તો પણ તમે એવું વિચારો કે મારી પાસે તો નાની કાર છે અને મેં ખૂબ મહા મુશ્કેલીએ આ કાર ખરીદી છે અને તેની પાસે નવી લક્ઝુરીયસ કાર છે. અહીંથી તમારા વિચારમાં ઇર્ષ્યાની ભાવના શરૂ થાય છે. અહીં ઇર્ષ્યાની ભાવના આવી, પરંતુ તેની શરૂઆત તો તમારા જ વિચારથી થઇ છે.
તમે એવું વિચાર્યુ કે મારી બહેને મારા કરતાં પણ સારી કાર ખરીદી લીધી તેને બદલે તમે એવું વિચારો કે સારું થયું મારી બહેનને ત્યાં એક સારી કાર આવી, તેનાથી સારી ભાવના જાગૃત થાય છે. કાર એ જ છે, બહેન પણ એ જ છે, પરંતુ વિચારોનો તફાવત છે. બસ તમારે એ જ ધ્યાન રાખવાનું છે અને વિચારો પર એવો કાબૂ લાવવાનો છે કે હું કેવા પ્રકારનું વિચારું તો મારામાં સારી ભાવના જાગૃત થાય અને સારી ભાવના હોય તો તે જળવાઇ રહે.
જો હું ઇર્ષ્યાત્મક વિચારો ઉત્પન્ન કરીશ તો એ જ પ્રકારની ભાવના મારી અંદર આવશે. તમારે આખો દિવસ આ માટે જાગૃતિ કેળવવી પડશે. તમને પહેલા તો ખબર નહોતી કે વિચાર પહેલા આવે છે કે સારી-નરસી ભાવના., પરંતુ હવે તમને ખબર છે કે સારા વિચારો જરૂરી છે. તો હવે તમે દિવસ દરમિયાન ગમે તેટલા વ્યક્તિઓને મળો છો કે બજારમાં જાવ છો, વસ્તુઓ જુઓ છો, સમાચાર વાંચો કે સાંભળો છો. તેમાં અકસ્માત કે ક્યાંક દુષ્કાળનાં સમાચાર પણ આવે તો તમને પણ દુ:ખનો અનુભવ થશે, પરંતુ દુ:ખનો અનુભવ કરતાં પહેલા તમે શું કર્યુ? પહેલા તો તેની સૂચના તમે તમારી અંદર નાખી અને પછી તેનો અનુભવ કર્યો. હવે આ લોકોનું શું થશે? ભવિષ્યમાં તેઓ શું કરશે? વગેરે વગેરે વિચારો તમારા મનમાં ઉત્પન્ન થતાં જ જશે. સૌપ્રથમ તો આપણે વિચારો કર્યા અને પછી તેના પરિણામ સ્વરૂપે દુ:ખની ભાવના તમને અનુભવાઇ.
હવે જ્યારે તમે અંદરની આખી પ્રક્રિયા સમજી લો છો તો તમને જાગૃતિ આવશે. પણ તમે દિવસની શરૂઆત કરો છો ત્યારે એલાર્મ સાંભળીને ઊઠો છો અને ક્યારેક એલાર્મ બંધ કરીને થોડીવાર સૂઇ જાવ પણ છો. ત્યારે શું થાય છે. અરે! હવે તો મોડું થઇ ગયું. એક્સરસાઇઝનો પણ સમય રહ્યો નથી. હવે તો જલદી-જલદી સંતાનોને ઊઠાડું, નહીંતર આ કામ રહી જશે. આ રીતે વિચારોની એક લાંબી શ્રૃંખલા બની જાય છે. પછી તમે કહો છો કે આજનો દિવસ સારો નથી ગયો. કોણ જાણે કોનો ચહેરો સવાર-સવારમાં જોયો હશે?, પરંતુ આમાં કોઇનાં ચહેરા જોવાથી કશું જ થતું નથી., પરંતુ સવાર-સવારમાં આપણે પોતે ક્યો સંકલ્પ કર્યો છે, તેની અસર આખા દિવસ દરમિયાન મન ઉપર રહે છે. તમે સવારે ઉઠતાવેંત જ નકારાત્મક વિચાર કર્યો અને ત્યારથી તમને તે નકારાત્મકતાનો અનુભવ પણ થવા લાગ્યો. અચાનક તમારી ઊર્જાનું સ્તર ઘટવા લાગ્યું. પછી બાળકોને ધમકાવવાના, બાળકોએ પણ જો પ્રતિકાર કર્યો તો તેની અસર પાછી તમારા જ ઉપર પડવાની. આમ અનેક પ્રકારની તકલીફો પાછી તમારા ઉપર જ આવવાની છે.
માટે તમે સવાર જ્યારે ઉઠો ત્યારે પથારીમાં જ બેઠા-બેઠા પાંચ મિનિટ તમારી પોતાની સાથે સંવાદ સાધો. સારા હકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરો.
-------------------------

દિલથી જે કંઈ પણ થાય એ પવિત્ર બની જાય છે –  કૃષ્ણકાંત ઉનડકટ

મૈં ખુદ ભી સોચતા હું યે ક્યા મેરા હાલ હૈ,
જિસકા જવાબ ચાહિયે વો ક્યા સવાલ હૈ,
બેદસ્તોપા હું આજ તો ઇલ્જામ કિસકો દૂં,
કલ મૈંને હી બુના થા યે મેરા હી જાલ હૈ.
-જાવેદ અખ્તર
દરેક માણસનું પોતાનું એક ‘તેજ’ હોય છે. આ તેજ સમય આવ્યે વર્તાતું હોય છે. તેજ ચહેરા પર પ્રગટે છે. આપણી અંદર જે હોય એ ચહેરા પર પ્રગટ થતું હોય છે. ઉદાસ ચહેરા એ વાતની સાબિતી છે કે એનું અંદરનું તેજ ઓસરી ગયું છે. રોજ સવારે અરીસો આપણા ચહેરાના તેજની ચાડી ફૂંકી દે છે. અંદરથી ‘હાશ’ ન હોય ત્યારે ચહેરા પર ચાસ પડે છે. આપણે સજીવન હોઈએ છીએ પણ જીવંત હોઈએ છીએ ખરાં? માત્ર શ્વાસ ચાલવો એ જિંદગી નથી. શ્વાસ તો ઓક્સિજનના બાટલાથી પણ ચાલે છે. વેન્ટિલેન્ટર પણ શ્વાસ ચલાવતા રહે છે. શ્વાસ ચાલવો એ જિંદગી જિવાતી હોવાની નિશાની નથી. જિંદગી મહેસૂસ થવી જોઈએ. દરેક વસ્તુનો ખરો અહેસાસ ત્યારે જ થાય જ્યારે આપણું દિલ એ ફીલ કરવા તૈયાર હોય. તનની સ્વસ્થતા માટે મનની સુંદરતા જરૂરી છે.
મજામાં ન હોવું એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. ક્યાંય ગમતું નથી એવું બધાને થાય છે, પણ કેમ નથી ગમતું એના પર આપણે વિચાર નથી કરતા. કંઈક તો કારણ હોય છે, કંઈક તો આપણને રોકતું હોય છે. શું રોકે છે? જેનું કારણ હોય એનું મારણ પણ હોય જ છે. ક્યારેક તો આપણને ખબર હોય છે કે, મજા નથી આવતી એનું કારણ શું છે! આપણે એ વાતને ઘોળતા રહીએ છીએ અને ધૂંધવાતા રહીએ છીએ. કંઈક ઉચાટ છે, કંઈક ઉકળાટ છે, કંઈક વલોપાત છે, કંઈક એવું ચાલતું રહે છે આપણી અંદર જે આપણને હળવાશનો અહેસાસ કરવા દેતું નથી! તેજ ઓસરી જાય છે. તેલ ખૂટી જાય છે. સરવાળે તો જે અંદર હોય એ જ બહાર આવવાનું છે. મગજ છટકી જાય છે, સંબંધો ભટકી જાય છે. બધું સરખું કરવા ફાંફાં મારતા રહીએ છીએ. કંઈ સરખું થતું નથી. બધું વધુ ને વધુ ગૂંચવાતું જાય છે.
સુખી, સ્વસ્થ, સહજ, સરળ અને સુંદર રહેવા માટે દિલ ઉપર નજર કરો. દિલને પૂછો કે તું ઓકે છે ને? દિલના ખૂણા તપાસો. જે હોવું જોઈએ એ છે કે નહીં? થોડીક કરુણા, થોડીક સંવેદના, થોડોક પ્રેમ, થોડીક ભીનાશ, થોડીક હળવાશ, થોડોક આદર, થોડીક વફાદારી, થોડીક ઇમાનદારી, થોડીક દિલદારી જેવું બધું બરકરાર છે કે નહીં? આ બધું સુકાઈ તો નથી ગયું ને? આમ તો આ બધું હોય જ છે, મોટાભાગે તો આપણે જ એને નિચોવી નાખતા હોઈએ છીએ! ભરેલા તળાવમાં ચાસ ન પડે, એ તો તરબતર જ હોય! સુકાય પછી જ સન્નાટો વર્તાતો હોય છે. પડઘા ખંડેરમાં જ પડે, હર્યાભર્યા ઘરમાં નહીં. ઘર જીવતું હોય છે. ખંડેર મરેલું હોય છે. આપણી અંદર પણ જો કંઈ મરી ગયું હશે તો પછી પડઘા જ પડશે. માણસે નક્કી કરવાનું હોય છે કે મારે સાદ જોઈએ છે કે પડઘા? મારે હળવાશ જોઈએ છે કે શૂન્યવકાશ, મારે સૂસવાટો જોઈએ છે કે સન્નાટો? મારે આયખું જોઈએ છે કે અજંપો? શાંતિમાં અને સૂનકારમાં ફર્ક છે. ખામોશી અને મૌનમાં પણ ફેર છે.
પ્રસન્નતા માટે પવિત્રતા આવશ્યક છે. જે કંઈ કરો એ દિલથી કરો. દિલથી જે કંઈ પણ થાય છે એ પવિત્ર થઈ જાય છે. એના માટે બસ, દિલ પવિત્ર હોવું જોઈએ. દિલ સાફ હોવું જોઈએ. આપણું દિલ કેટલું સાફ હોય છે? દિલની કેટલી સફાઈ આપણે કરીએ છીએ. એક સંત હતા. દરરોજ ઊઠીને પહેલું કામ નહાવાનું કરે. નાહીને ઝૂંપડીમાં જઈ મૌન રહે. આંખો બંધ કરીને કંઈક વિચારતા રહે. સંતના શિષ્યએ એક વખત તેને પૂછ્યું કે, તમે શું વિચારતાં હોવ છો? સંતે કહ્યું, હું પહેલું કામ નહાવાનું કરું છું. ઝૂંપડીમાં જાવ છું. વિચારું છું કે તન તો સ્વચ્છ કરી લીધું, મન પવિત્ર છે કે નહીં? બહારની સ્વચ્છતા પૂરતી નથી, અંદરની પવિત્રતા હોવી જોઈએ. જે અંદરથી પવિત્ર છે એ દરેક માણસ સંત છે. દરેક માણસનો એક આકાર હોય છે. એમાં વિકાર ન હોવો જોઈએ. વિકાર ન હોય એ જ એકાકાર થઈ શકે. કામમાં, વાતમાં, વર્તનમાં અને સંબંધમાં વિકાર આવે તો વિનાશ જ થાય. શરીરની સફાઈ પાણીથી થાય છે, મનની સફાઈ સારા વિચારોથી થાય છે.
આપણે બહારનું જેટલું ધ્યાન રાખીએ છીએ એટલી સંભાળ અંદરની રાખતા નથી. એક છોકરી હતી. મોપેડ પર જાય ત્યારે એ પોતાની ચૂંદડી મોઢે બાંધી લે. તાપ ન લાગે, ધૂળ ન ઊડે એટલે એ ચૂંદડી બાંધીને રૂપનું રખોપું કરે. તેના ચહેરા પર ચમક રહેતી. તેની આંખોમાં તેજ છલકતું. એક વખત તેની ફ્રેન્ડે પૂછ્યું, તું ચૂંદડી બાંધે છે એટલે તારું સૌંદર્ય બરકરાર રહ્યું છે? છોકરીએ કહ્યું, ના, એ વાત ખોટી છે. હું માત્ર ચહેરાને ચૂંદડીમાં લપેટતી નથી. રોજ રાતે સૂતી વખતે હું મારા દિલને પણ મારી પવિત્રતામાં લપેટી લઉં છું. ચહેરા પર ચૂંડદી વીંટતી વખતે મને એક વિચાર આવ્યો હતો કે, હું મારા ચહેરા જેટલી કેર મારા દિલની કરું છું? એ પછી હું દિલને પણ શાતા મળે એમ કંઈક ઓઢાડી દઉં છું! દિલને પણ તાપ લાગતો હોય છે! દિલને પણ ધૂળ બાઝતી હોય છે. મારા ચહેરાની ચમક મોઢા પર લગાવાતી ચૂંદડી નથી, પણ દિલની ઉપર ઓઢાડાતું આવરણ છે. દિલને હું મૂરઝાવા નથી દેતી, દિલને કટાવવા નથી દેતી. ચહેરો તો મેકઅપથી પણ સુંદર કરી શકાય, પવિત્રતા તો દિલની માવજતથી જ થાય!
આપણા બધાની અંદર એક ‘ખાલીપો’ જીવે છે. સતત કંઈક ખૂટતું હોય એવું લાગે છે. સતત કંઈક ઘટતું હોય એવું મહેસૂસ થાય છે. આપણા સંબંધો કેટલા પવિત્ર અને સાત્ત્વિક હોય છે? આપણા કેટલા સંબંધો દિલથી જિવાય છે? કેમ આપણને આપણી વ્યક્તિ પર ભરોસો નથી? કેમ આપણને સતત કોઈ ને કોઈ શંકા કોરી ખાય છે? આપણને આપણો ખાલીપો વર્તાય છે, પણ આપણી વ્યક્તિનો ખાલીપો સમજાય છે? આપણી વ્યક્તિનો ખાલીપો પૂરવા માટે આપણે શું કરીએ છીએ? ખાલીપો ક્યારેક એકાદ શબ્દથી પુરાઈ જતો હોય છે, પણ આપણા મોઢામાંથી કોઈ શબ્દ નીકળે છે? ખાલીપો ક્યારેક નાજુક સ્પર્શથી ભરાઇ જાય છે, પણ આપણા ટેરવા પર એટલી સંવેદના પ્રગટે છે? આપણું તેજ આપણી વ્યક્તિને પણ ઉજાગર કરવું જોઈએ. દીવો પ્રજ્જ્વલિત રાખવા જેટલું જ પવિત્ર કામ આપણા દીવાથી બીજાનો દીવો પ્રગટાવવાનું છે. પ્રકાશને રોકો તો અંધારું જ ફેલાય.
એક કપલની આ વાત છે. પત્ની આઇટી એક્સપર્ટ હતી. એને એક ચેલેન્જિંગ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. પત્ની એના માટે સખત મહેનત કરતી હતી. એક દિવસ એ પ્રોજેક્ટ પૂરો થયો. એનો પ્રોજેક્ટ બેસ્ટ હોવાનું કહેવામાં આવ્યું. ઘરે આવીને એ એના પતિને વળગી પડી. પતિને પ્રેમથી કહ્યું કે, થેંક યુ ફોર એવરીથિંગ. પતિએ કહ્યું, મને શેનું થેંક યુ? મેં તો કંઈ જ નથી કર્યું. હું તો મેનેજમેન્ટનો માણસ છું. આઇટીમાં તો મને કંઈ જ ખબર પડતી નથી. મેં તો તને જરા સરખી પણ મદદ કરી નથી. પત્નીએ કહ્યું, એવું ન કહે કે તેં મારા માટે કંઈ નથી કર્યું! તેં મારા માટે પ્રાર્થનાઓ કરી છે. તેં મારી સફળતા ઝંખી છે. તેં મને સારું વાતાવરણ પૂરું પાડ્યું છે. તેં મને નબળી પડવા નથી દીધી. તને ખબર છે, મહેનત મારી હતી પણ સાથ તારો હતો. તારી પ્રાર્થનાઓ મારા પુરુષાર્થ સુધી પહોંચતી હતી. તું ઇચ્છતો હતો કે હું આમાં સફળ થાવ. એક એનર્જી મળતી હોય છે આપણી વ્યક્તિ પાસેથી, એક હૂંફ વર્તાતી હોય છે. દરેકની પોતાની એક ‘ઔરા’ હોય છે. ઔરા દેખાતી નથી, અનુભવાતી હોય છે.
પોઝિટિવિટી એટલે શું? એ ક્યાંથી આવે છે? એ આવતી નથી. લાવવી પડે છે. દિલની સમજાવવું પડે છે. આપણે તો દિલ પર અત્યાચાર કરીએ છીએ. બહારથી ઘણું બધું લાવીને અંદર ઠાલવતા રહીએ છીએ. ફરિયાદો, વિવાદો, નારાજગી અને નેગેટિવિટી! આપણે જ આવવા દેતા હોઈએ છીએ ને! નેગેટિવિટી તો બહાર હોવાની જ છે! બધું સારું અને સરખું હોત તો તો ક્યાં કોઈ સવાલ જ હતો! દિલ સાફ રાખવા માટે એ પણ જરૂરી છે કે બહારની નેગેટિવિટી આપણી અંદર ઘુસવા ન દેવી! દુર્ગંધ આવતી હોય ત્યારે આપણે નાકની આડે રૂમાલ રાખી દઈએ છીએ. નેગેટિવિટીને તો આરામથી અંદર આવવા દઈએ છીએ!
કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમારામાં નેગેટિવિટી લાવે છે? એને રોકો. એવા વ્યક્તિને ન મળો જેનાથી તમને અસુખ લાગે છે. એવી વાત ન કરો જે પીડા આપે છે. એવા સ્થળે ન જાવ જ્યાં ઉદાસી પથરાયેલી છે. સાથોસાથ એ પણ વિચારો કે કઈ વાત, કઈ વસ્તુ અને કઈ વ્યક્તિ તમને પોઝિટિવિટી આપે છે. એનર્જીના સ્ત્રોતને પણ આવકારવો પડે છે. અમુક માણસો મનથી જ કંગાળ હોય છે. એની પાસેથી કંઈ મળવાનું નથી. એ તો આપણને પણ લાચાર કરે છે. તર્કના તવંગર, આશાના અમીર, ધગશના ધનવાન, મર્મના મોલેતુજાર અને દિલના દિલાવર લોકોને મળો તો જ લાઇફની રઇસીને સમજાય! માત્ર એવા લોકોને મળો નહીં, એવા બનો પણ ખરાં!
છેલ્લો સીન :
આધાર એ જ બની શકે જે દિલથી સધ્ધર હોય. આધાર શોધો નહીં, આધાર બનો. પાયાના પથ્થરે દબાઈ જવું પડતું હોય છે, પણ ઇમારત એનાથી જ ટકતી હોય છે.  -કેયુ.
----------

કેવળ દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં
વાર્તા….ડૉ. શરદ ઠાકર

એક નારીના કેટલા ‘મૂડ્ઝ’ હોઈ શકે? કેટલાં રૂપ હોઈ શકે? અલગ-અલગ ભાતના કેટલા ચહેરા હોઈ શકે? આ બધું અલગ-અલગ સ્ત્રીઓમાં નહીં, પણ એક જ સ્ત્રીમાં. સ્ત્રી પણ શાની? હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી, સંસાર નામની નદીના વહેણમાં પગ મૂકી રહેલી અને સહર્ષ સહીસલામત સામા કાંઠે પહોંચી જવા માટેનાં સપનાંઓ સાથે રાખીને જીવતી એક ભોળી, નિર્દોષ યુવતીની આજે વાત કરું છું.

નામ એનું પ્રાચી. સાગના સોટા જેવી પાતળી દેહલતા. ગોરો વાન. શાર્પ ફીચર્સ. સ્વચ્છ આંખો. સાફ નજર, પણ મોં પર ચિંતાનાં વાદળોનો ઘટાટોપ. સાથે એનાં મમ્મી હતાં.

‘ક્યાંથી આવો છો?’ મેં સહજ વાર્તાલાપની શરૂઆત કરી. એ સાથે જ જાણે કેનાલમાં ગાબડું પડે અને જે ઝડપથી પાણી ખેતર પર ફરી વળે તેવી જ ઝડપથી એની બંને આંખોમાંથી ધારા વહી નીકળી.

‘સર, મને સુરતમાં પરણાવેલી છે. પિયર આણંદમાં છે. અત્યારે હું આણંદથી આવી છું. તમારા લેખો વર્ષોથી વાંચું છું એટલે આવી છું. તકદીરના હાથનો તમાચો ખાઈ ચૂકી છું એટલે આવી છું. નિરાશાની અંધારી રાત પસાર કરીને આશાનો સૂરજ જોવો છે, માટે આવી છું. સર, પ્લીઝ, મારી જિંદગી હવે તમારા હાથમાં છે.’

મારે એને કેમ કરીને આશ્વાસન આપવું કે તું છાની રહી જા, તને હવે ક્યારેય હતાશા નહીં મળે! હું ડૉક્ટર છું, ભગવાન નથી. હું પ્રારંભમાં જ એની પીડાની વાછટથી પલળી ગયો.

પછી જે જાણવા મળ્યું તે કંઈક આવું હતું. ઉચ્ચ શિક્ષણ પામેલી, સારી જોબ કરતી પ્રાચી લગ્ન કરીને સુરત ગઈ. પતિ સારો હતો. એને પ્રેમથી સાચવતો હતો. બંનેનાં લગ્નજીવનના શરૂઆતી મહિનાઓ પસાર થઈ ગયા પછી બંનેએ બાળક વિશે વિચાર કર્યો. સાવ સહજતાથી-સરળતાથી પ્રાચીને પ્રેગ્નન્સી રહી ગઈ.

અહીં સુધી બધું સારી રીતે ચાલ્યું, પણ જ્યારે પ્રાચી ગાયનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ માટે ગઈ, ત્યારે ડૉક્ટરે એની સોનોગ્રાફી કરીને આઘાતનજક સમાચાર આપ્યા, ‘ગર્ભના બે મહિના પૂરા થઈ ગયા તો પણ એનો વિકાસ જણાતો નથી. ગર્ભના ધબકારા પણ પકડાતા નથી. તમારો ગર્ભ મૃત્યુ પામ્યો છે.’ પછી સલાહ આપી, ‘આ મૃત ગર્ભને અંદર રહેવા દેવાથી નુકસાન થશે. જેમ બને તેમ ઝડપથી ક્યુરેટિંગ કરાવી લો.’

પ્રાચીએ બીજા એક ડૉક્ટરનો અભિપ્રાય મેળવી લીધો. સલાહ સાચી હતી. ગર્ભપાત કરાવવો જ પડ્યો.

‘કંઈ વાંધો નહીં.’ એના પતિ પ્રેયસે હિંમત આપતાં એને સમજાવી, ‘આવું તો થાય. આપણે ક્યાં ઘરડાં થઈ ગયાં છીએ? છએક મહિના પછી ફરીથી કોશિશ કરીશું. ભગવાન આપણને બીજી વાર તો સુખનું મોં દેખાડશે જ.’

આઠેક મહિના પછી પ્રાચીને ફરીથી ગર્ભ રહ્યો. આ વખતે ડૉક્ટરે તમામ આવશ્યક સારવાર ચાલુ કરાવી દીધી. ખોરાક, આરામ, હોર્મોન્સનાં ઇન્જેક્શનો, ગર્ભનો વિકાસ સારો થાય તેવી ટેબ્લેટ્સ બધું જ.

પાંચ મહિના પૂરા થયા. પ્રાચીના મનને ‘હાશ’ થઈ. ત્યાં એક દિવસ બપોરના સમયે એને બ્લીડિંગ ચાલુ થઈ ગયું. તરત જ એણે પતિને ફોન કરી દીધો, ‘હું ડૉક્ટરને ત્યાં જાઉં છું. તમે પહોંચો.’

ડૉક્ટરે તપાસીને ફરી પાછો એક નિસાસો નાખ્યો, ‘આઇ એમ સોરી, બહેન. ગર્ભાશયનું મુખ ઊઘડી ગયું છે. આ ગર્ભ હવે વધારે સમય માટે અંદર ટકી નહીં શકે.’

એકાદ કલાકમાં જ પ્રસૂતિની જેમ જ કાચો ગર્ભ બહાર આવી ગયો. સાડા ચારસો ગ્રામ વજન હતું. બે-ચાર હળવા શ્વાસો અને એક જોરદાર આંચકો ખાઈને એ પ્રભુના ધામમાં પહોંચી ગયું.

આટલું બોલતાંમાં તો ફરી પાછાં પ્રાચીની આંખોમાં ખારા પાણીનાં પૂર ઊમટ્યાં. થોડી વાર રહીને એણે બબ્બે સપનાંઓની રાખ ઉપર ત્રીજા સ્વપ્નનું ચણતરકામ શરૂ કર્યું.

‘સર, અત્યારે હું ત્રીજી વાર પ્રેગ્નન્ટ છું. આ વખતે તો હું પહેલેથી જ મારાં મમ્મી-પપ્પાના ઘરે આવી ગઈ છું. જોબમાં પણ લાંબી મુદતની રજા મૂકી દીધી છે. ભલે પગાર ના મળે, પણ મારે મન અત્યારે પગાર મહત્ત્વનો નથી, પ્રેગ્નન્સીનું પૂરું પરિણામ મહત્ત્વનું છે.’

‘અત્યારે તારે કોઈ ડૉક્ટરની સારવાર ચાલી રહી છે?’ મેં હવે સાવધાનીપૂર્વક વિગતો પૂછવાની શરૂઆત કરી.

‘હા, સર. અમારા સુરતવાળા ડૉક્ટરે એક વાર ચેકઅપ કરીને જે સારવાર લખી આપી હતી તે હું નિયમિત લઉં છું. પૂરેપૂરો આરામ કરું છું, પણ સાચું કહું સર, મને હવે બીજા કોઈ જ ડૉક્ટરમાં વિશ્વાસ નથી રહ્યો, એટલે હું તમારી પાસે…’

મેં એની આંખોમાં પરમ શ્રદ્ધાનો દીપ જલતો જોયો, પણ નીતિમત્તાનું પાલન કરવા માટે મારે એને આગળ બોલતાં અટકાવવી પડી, ‘એવું ન બોલીશ પ્રાચી. ડૉક્ટરો બધા સારા અને એકસરખા. કેટલાક તો વળી મારા કરતાં પણ હોશિયાર હોઈ શકે. હું બીજાથી વિશેષ એક જ કામ કરી શકું. તારી શ્રદ્ધાના બદલામાં હું મારી સારવારમાં થોડોક સંબંધ ઉમેરી શકું. ઉપરાંત તું દર પંદર દિવસે કે દર મહિને આણંદથી અમદાવાદ સુધી રોડ રસ્તે આવે ને પાછી જાય એ પણ સલાહભર્યું ન કહેવાય, માટે હું તને દોઢ-બે મહિને એક વાર બોલાવીશ. સારવાર વિશે સૂચના આપીશ, પણ તારે આણંદમાં સ્થાનિક ડૉક્ટર પાસે તો જવું જ રહ્યું. ગમે ત્યારે ‘ઇમરજન્સી’ ઊભી થાય તો તું ત્યાં જઈ શકે એટલા માટે.’

પ્રાચીના ચહેરા પર ત્રીજો રંગપલટો દેખાયો. પહેલાં ચિંતાનો રંગ હતો, પછી શ્રદ્ધાની ચમક અને હવે સમાધાનનો ભાવ હતો.
‘ભલે સર. જેમ તમે કહેશો તેમ જ કરીશ. તમે કોઈ ડૉક્ટરને ઓળખો છો આણંદમાં? તો હું ત્યાં જ જઉં.’

મેં અમારા જાણીતાં ગાયનેક સ્પેશિયાલિસ્ટ કપલનું નામ સૂચવ્યું. દાયકાઓ પહેલાં એ ફિમેલ ગાયનેકોલોજિસ્ટ મારી સાથે વી.એસ. હોસ્પિટલમાં હતાં. પતિ-પત્ની બંને હોશિયાર. મેં એમનું નામ સૂચવ્યું. દવાઓ લખી આપી. પ્રાચી એની મમ્મીને લઈને વિદાય થઈ.

સમય પસાર થતો ગયો. સારી રીતે પસાર થતો ગયો. પાંચમો મહિનો ચાલતો હતો એ સમયે એને ગર્ભપાત થઈ ગયો હતો એ વાત મારા ધ્યાનમાં હતી. જો એના ગર્ભાશયના મુખ ફરતે ટાંકો લઈ શકાય તો કદાચ આ વખતે ગર્ભ ટકી જાય, પણ મેં જાણી લીધું કે એનો ગર્ભ નીચે આવી ગયો હોવાથી ટાંકો મારવામાં જોખમ હતું.

શ્રેષ્ઠ કાળજી અને તમામ દવાઓના કારણે પ્રાચીની પ્રેગ્નન્સી પાંચમો મહિનો પાર કરી ગઈ. છઠ્ઠો પૂરો થયો. સાતમો પણ લગભગ પૂરો થવા આવ્યો.

હું એક અગત્યના પ્રસંગે જૂનાગઢમાં હતો ત્યારે મારા મોબાઇલ ફોનના સ્ક્રીન પર પ્રાચીના નામથી ‘સેવ’ કરેલો નંબર ઝબકી ઊઠ્યો. મેં ‘કોલ’ રિસીવ કર્યો. પ્રાચીનાં મમ્મી હતાં, ‘સર, આજે અચાનક પ્રાચીને બ્લીડિંગ શરૂ થઈ ગયું. અમે કારમાં એને લઈને તમારે ત્યાં આવવાં નીકળીએ છીએ. તમે હાજર હશોને?’

હું શો જવાબ આપું? મારે કહેવું પડ્યું, ‘ના બહેન, તમે અત્યારે સ્થાનિક ડૉક્ટરને ત્યાં પહોંચી જાવ. એ ચેકઅપ કરી લે એ પછી મને ફોન પર જણાવો કે પ્રાચીને અમદાવાદ સુધી લાવી શકાય તેમ છે કે નહીં! હું તરત જ અહીંથી રવાના થઈ જઈશ.’ મારે જૂનાગઢથી અમદાવાદ પહોંચવામાં સાડા પાંચથી છ કલાક લાગી જાય, પણ ત્યાં સુધી મારા સાથી ડૉક્ટરો પ્રાચીને ‘ઇમરજન્સી કેર’ તો આપી જ શકે.

અડધા કલાકમાં આણંદથી ડૉક્ટરનો ફોન આવ્યો, ‘શી ઇઝ ઇન ધ પ્રોસેસ ઓફ પ્રિમેચ્યોર લેબર. ગર્ભાશયનું મુખ ખૂલવા માંડ્યું છે. પ્રાચી અમદાવાદ સુધી પહોંચી નહીં શકે. રસ્તામાં જ…’

એ સમયે ‘ઓખી’ વાવાઝોડું ચાલતું હતું. કાલિત ઠંડી અને વરસાદી ભીનાશ હતી. મેં પ્રાચીનો વિચાર કરીને સલાહ આપી, ‘ઈશ્વરની ઇચ્છા હશે તો જ આવી મોસમમાં આવું બન્યું. હવે ડિલિવરી ત્યાં જ કરાવવી પડશે. બાળક જન્મે ત્યારે એનું વજન અને મેચ્યોરિટી જોયા પછી વિચારીશું.’

ડિલિવરી થઈ ગઈ. સાડા નવસો ગ્રામ વજનનો દીકરો જન્મ્યો હતો. અમદાવાદમાં તો એવી સવલતો છે કે છસો ગ્રામવાળું બાળક પણ બચી જાય છે, પણ ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી!’ આણંદથી અમદાવાદ સુધી આવવામાં જ કળી કરમાઈ જાય.

આણંદમાં પણ સારા નવજાત શિશુનિષ્ણાતો છે જ. એવા એક ડૉક્ટરે બાબાને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. છ-સાત દિવસ નીકળી પણ ગયા. છેવટે મગજના રિપોર્ટમાં ખબર પડી કે બાળકનું મગજ પ્રિમેચ્યોર હોવાથી અને નબળાં ફેફસાંના કારણે સહેજ ઓક્સિજન ઓછો પડવાથી દિમાગમાં નુકસાન પહોંચ્યું છે. બાળકને વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યું.

હું ખૂબ દુ:ખી હતો. પ્રાચીનું શું થયું હશે? એ ચાર-પાંચ દિવસ ખૂબ ખરાબ ગયા. પછી એક દિવસ પ્રાચી અને પ્રેયસ મને મળવા આવ્યાં. હવે લાગતું હતું કે એ કોઈ મક્કમ નિર્ણય પર આવી ગઈ હતી, ‘સર, હવે નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં હું અને મારો હસબન્ડ અમદાવાદમાં જ નવે-નવ મહિના રહેવાનાં છીએ. તમારા હાથે જ ડિલિવરી કરાવવી છે. હું કહેતી હતીને કે મને તમારામાં પૂરી શ્રદ્ધા છે.’ હું આ અદભુત છોકરીને જોઈ રહ્યો. એની આંખોમાં આશાનું તેજ હતું અને ચહેરા પર આવનારા સુખનું આગોતરું સુખ! જે પસાર થઈ ગઈ તે ગઈ કાલ હતી, જે આવશે તે આવતી કાલ હશે. તો પછી આજે શા માટે રડવું? જો બીત ગઈ સો બાત ગઈ!

---------

નકરું જ્ઞાન મેળવીને માનવી પ્રેમ ગુમાવી બેઠો છે.

-કાન્તિ ભટ્ટ
એકવીસમી સદીને લોકો નોલેજનો યુગ કહે છે. જ્ઞાન-માહિતી અને ઈન્સ્ટંટ-સમાચારોના યુગમાં માનવીની સમસ્યા તેના જ્ઞાનથી ઉકેલવાને બદલે સમસ્યા વધી છે, હજી વધશે. સૌરાષ્ટ્રનો સરતાનપર કે વેજલપરનો માનવી કે નાસિકનો માનવી ઈરાકના ખબર સાંભળીને દુઃખી થાય છે ! આજે મૌલિક રીતે વિચારનારા જ્ઞાની પુરૂષો રહ્યા નથી. ઓશો રજનીશ ભલે વિવાદાસ્પદ હતા પણ મૌલિક અને ક્રાંતિકારક વિચારક હતા. એમની સાથે સાથે જે. કૃષ્ણમૂર્તિ એક અનોખા ફિલસૂફ હતા તે પણ સ્વર્ગે રવાના થયા છે.
કૃષ્ણમૂર્તિજી તેમનાં પ્રવચનોમાં સતત માનવજાતની સમસ્યાની વાત કરતા. છેલ્લાં 5000-6000 વર્ષથી યુદ્ધો ચાલે છે. ઈરાક પછી હવે સિરીયા પછી કાશ્મીરમાં અડ્ડો જમાવવા અમેરિકા યુદ્ધ કરશે. પછી અણુયુદ્ધ આવશે. કૃષ્ણમૂર્તિ ટોણો મારતા કે ટેકનોલોજી વિકસી છે, અવનવાં કમ્પ્યુટરો આવ્યાં છે, પણ આ બધી ટેકનોલોજીએ માનવીને સુખ આપ્યું નથી. ટેકનોલોજી સાથે તમારી ચતુરાઈ વધી છે પણ ચતુરાઈએ તમને સુખ આપ્યું નથી. ટેકનોલોજી સુખ આપી શકી નથી. ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર ઉપર મોકલવાની વાત થાય છે. ગરીબ ઘરો જ નહીં પણ આજે ગુજરાતનાં સમૃદ્ધ ઘરો સુધી વપરાશ પૂરતું પાણી મોકલી શકાતું નથી અને ચંદ્ર પર માનવ મોકલવાની વાત કરીએ છીએ. તેવી વાતમાં અમે લેખકો પણ ભળીએ છીએ.
કૃષ્ણમૂર્તિ પૂછતા કે તમામ સમૃદ્ધિ છતાં દુઃખ, દર્દ, બીમારી અને સમસ્યાઓ શું કામ એમની એમ છે! કૃષ્ણમૂર્તિનું પ્રવચન સાંભળવા 85 વર્ષની ઉંમરે દાદા ધર્માધિકારી પણ મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑફ આર્ટસના મેદાનમાં આવતા હતા. અમદાવાદના, વડોદરા અને પૂનાના બુદ્ધિમંતો આવતા હતા. કૃષ્ણમૂર્તિનાં પુસ્તકોએ મારા જીવનમાં ઘણો ફેરફાર કર્યો છે. જીવનમાં કોઈ અંતિમ અને સ્થાયી-કાયમી સુખ નથી તે કૃષ્ણમૂર્તિ પાસેથી શીખવા મળ્યું છે. તે કદી ચેલાઓ મૂંડતા નહીં, ભક્તો બનાવતા નહીં. તેથી જ તે કહેતા – સતત કહેતા :
“આશા રાખું છું કે તમે અહીં મારા ભક્ત બનીને આવ્યા નથી. તમને પોતાને થોડાક મનોરંજિત થવાનો ઈરાદો હશે. પણ હું આધ્યાત્મિક-મનોરંજન કરાવીશ નહીં. તમારી સમસ્યાના રેડીમેઈડ જવાબને બદલે આપણે ભેગા મળીને માનવજાતની સમસ્યાનો સામૂહિક રીતે જવાબ શોધીએ તે જ ઠીક છે. તમારે પોતે જ તમારા જીવનનો માર્ગ શોધવાનો છે. તર્કપૂર્ણ ને ડાહ્યો ગણાય તેવો માર્ગ શોધવાનો છે. જગત આજે પાગલ થતું ચાલ્યું છે. તેમાંથી ડહાપણ શોધવાનું છે. પણ તે માટે તમારે હું બોલું તે તમામ સ્વીકારી લેવાનું નથી. તમારે હંમેશાં પ્રશ્નો ઉઠાવવાના છે. કોઈ પણ વ્યક્તિ બોલે તે સ્વીકારી લેવાનું નથી. દરેક ધર્મ આવું જ કહે છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ઈસ્લામ ધર્મ પણ તમને તમામ વસ્તુ માની લેવાને બદલે તમારી રીતે તમારું સત્ય શોધી કાઢવાનું કહે છે...” પરંતુ આજના ભગવાધારી મહાત્માઓ જુઓ, ભગવાધારી રાજનેતાઓ જુઓ. નરેન્દ્ર મોદી કે ડો. તોગડિયા જુઓ, એ બધા કહે છે તે જ જાણે અંતિમ સત્ય છે! તેમના મંતવ્ય સાથે જે ન મળે તે તેમના દુશ્મન છે. અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ પણ આવું કહે છે. જે. કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો વાંચી જાઓ. તમને આજના આવા નેતાઓ સામે બળવો કરવાનું આધ્યાત્મિક બળ મળશે.
કૃષ્ણમૂર્તિ કહેતા, ‘હું ફરી ફરીને તમને કહું છું કે હું તમારો ગુરુ નથી. આ જીવન જટિલ છે. જગતને આપણે બધાએ ખીચડો બનવી દીધું છે. તમે જુઓ છો કે જગતમાં માનવી માનવી વચ્ચે સહકાર નથી. સૌ સૌના પોતાના અહંકાર છે. સહયોગની ભાવના જ રહી નથી. તેથી ગૃહયોગની ભાવના જ રહી નથી. તેથી ગૃહજીવનો, લગ્નજીવનો તૂટી પડે છે. ‘સહયોગ’ એટલે એવું નથી કહેવા માગતા કે હું ઓથોરિટી બની જાઉં અને તમે મને ચૂપચાપ અનુસર્યા કરો. હું ઈચ્છું છું કે તમે પોતે જ તમારી સમસ્યાઓનો ઉકેલ તમારી જાતમાંથી જ શોધી શકશો. આપણને કહેવામાં આવે છે કે ઈશ્વરની પ્રાર્થનાથી તમે સલામત થઈ જશો, પરંતુ આપણે યંત્રવત પ્રાર્થનાઓ કરીએ છીએ. આ પ્રાર્થના એ તો ગોખેલા જ્ઞાનનો ઢગલો છે. તમે બરાબર નંધી લો કે નકરું જ્ઞાન એ પ્રેમનું અવ્વલ નંબરનું દુશ્મન છે. નકરા જ્ઞાનથી પ્રેમનો નાશ થાય છે.’
આપણું ગોખણિયું જ્ઞાન પ્રેમમાં બાધારૂપ બને છે. તમે બે વ્યક્તિ મળો ત્યારે તમારે બે પૂરતા પ્રેમનો આયામ કરવાનો છે. તમને કોઈ પ્રેમ કરતાં શીખવી શકે નીહીં. આપણે પૂર્વગ્રહથી પીડાતા હોઈએ તો પણ પ્રેમ કરી શકતા નથી. કોઈ પૂર્વગ્રહ કે કોઈપણ પુસ્તકનું જ્ઞાન આપણા સાચા સંબંધને નષ્ટ કરે છે. પ્રેમનો નાશ કરે છે. આપણે માટે કેવી પત્ની કે કેવી પ્રેમિકા હોવી જોઈએ તેની એક ઈમેજ બાંધીએ છીએ. જો આવી કોઈ તૈયાર ઈમેજ હશે – કોઈ તૈયાર નકશો, કોઈ તૈયાર ડિઝાઈન હસે તો પ્રેમ નષ્ટ થશે. તમે તમારી પ્રેમિકાના હોઠ આડે માસ્ક કે જંતુનાશક આવરણ રાખીને ચુંબન ન કરી શકો. તમારો પૂર્વગ્રહ એ તમારો માસ્ક છે – મહોરું છે. તે મહોરું હઠાવો તો જ તમે સાચું ચુંબન કરી શકો.
પૂર્વગ્રહ સાથે કોઈને પ્રેમ ન કરી શકાય. તમે ટુકડે ટુકડે અંદરથી વહેંચાયેલા હો ત્યારે પ્રેમ ન કરી શકો. એક બાજુ ફોન વાગતો હોય, બીજી બાજુ ધંધાની ફિકર હોય, ત્રીજી બાજુ કોઈ ટપકી પડશે તેની ચિંતા હોય તો ‘પ્રેમ’ ન કરી શકાય. પ્રેમ કરી શકવા માટે તમે આખેઆખા પૂર્ણ હોવા જોઈએ. આટલું વિચારો પછી તમારી જાતને પૂછો કે શું ખરેખર તમારી પત્નીને પ્રેમ કરો છો?
જે. કૃષ્ણમૂર્તિ જીવતા હતા ત્યાં સુધી હજી ફાયઝર ફાર્માસ્યુટિકલ કંપનીની વાયગ્રાની ટીકડી આવી નહોતી. નહીંતર કૃષ્ણમૂર્તિ કહેત કે જો તમે અંદરથી સુકાયેલા હો, તમારા પ્રેમનાં ઝરણાં નિર્ઝર હોય તો ક્યાંથી તમારામાં એક ટીકડી દ્વારા સેક્સ પાવર આવે? વાયગ્રાની ઉછીની શક્તિથી કરેલો ‘પથારીનો પ્રેમ’ પણ એ ટીકડી જેવો જ કૃત્રિમ છે. તેનાથી સંતોષ થતો નથી. તમે વાયગ્રા લઈને ‘પ્રેમ’ કરો છો પણ તુષ્ટ થતા નથી. પછી બીજે દિવસે ફરી વાયગ્રા લેવી પડે છે, પણ કોરોધાકોર માણસ પ્રેમાળ ન હોય તો વાયગ્રા પ્રેમાળતા બક્ષતી નથી. એ તો માત્ર નરી કૂતરા જેવી ક્ષણિક વાસના બક્ષે છે.
કૃષ્ણમૂર્તિ કહેતા કે ‘આપણે પ્રેમાળ બનવા માટે જીવનમાં પૂર્ણ રીતે પરિવર્તન લાવવું પડશે. આજે જે સંઘર્ષો છે તેને બુદ્ધિથી ઉકેલી શકાશે? હવે આવનારા યુદ્ધને ફિલસૂફી, વિજ્ઞાન કે ધાર્મિકતાથી ઉકેલી શકાશે? ના, ઊલટાનું ધર્મે તો બધી પીડા ઊભી કરી છે. આ કહેવાતા ધર્મે જ મોંકાણ માંડી છે. બધે જ ઘર્ષણો છે. હિન્દુ અને મુસ્લિમો ઝઘડે છે તેવું નથી. મુસ્લિમો પણ બીજા મુસ્લિમો સાથે અંદરોઅંદર ઝઘડે છે. ફ્રાંસ ક્રિશ્ચિયન છે, અમેરિકા ક્રિશ્ચિયન છે પણ જે અમેરિકા ફ્રાંસ સામે ડોળા ફાડે છે. આ ઘર્ષણનું કારણ સમજાય તો તેનો ઉકેલ સમજાય.  કેન્સરનું કારણ શોધો તો તેનો ઉપાય જડે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ હોય તો પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદ હોય જ. આ સમસ્યાનો ઉકેલ શું?’
‘સમસ્યાના ઉકેલ માટે માનવતરીકે તમે શું કરી શકો? તમારું યોગદાન શું છે? મહેરબાની કરી તમારી જાતને પૂછો – તમારી જવાબદારી શું છે? તમને તુરંત સમજાશે કે આપણે સમસ્યાનો સામનો કરવાને બદલે સમસ્યાથી ભાગીએ છીએ. પણ પલાયનવૃત્તિથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. સમસ્યામાંથી પલાયન થવા માટે તમે મનોરંજનમાં પડો છો. નશો કરો છો કે ફિલ્મ-ટી.વી. જોવા બેસી જાઓ છો.’
‘કૃપા કરીને તમે સમસ્યાથી વિમુખ થઈને ન બેસો. સમસ્યાનો સામનો સામે મોઢે કરશો એટલે તમારે શું કરવું તેનો ખ્યાલ આવશે. તેમાં ઈશ્વરીય શક્તિ મદદ કરશે. તમે હકીકતનો સામનો કરતાં શીખો એટલે તમારે શું કર્મ કરવું તેનો આપોઆપ ખ્યાલ આવશે. તમે જુઓ, તમે જ – હા તમે જ હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકે આ બધી લડાઈ માટે જવાબદાર છો. જ્યાં સુધી હું હિન્દુ છું, ત્યાં સુધી હું માત્ર કોઈ એક ઈશ્વરને અનુસરું છું. આ ભાગલાથી થકી દુઃખ પેદા કરએ છીએ. જો આટલું સમજી લઈએ તો પછી તમને જણાશે કે તમે તમારી આત્મચેતનાને જગાડશો તો આખી માનવજાતની ચેતના જાગશે. તમારી આત્મચેતના એ આખી માનવજાતની ચેતના જાગશે. તમારી આત્મચેતના એ આખી માનવજાતની આત્મચેતના છે. તમે જગતથી જુદા નથી. એ ચેતના આખી માનવજાતની છે. તમે જો બીજાને ઈજા કરો તો તે ઈજા તમને જ થાય છે... તમે સમજો છો?...’ આવો સવાલ કરીને કૃષ્ણમૂર્તિજી ગળગળા થઈ જતા હતા. મને લાગે છે કે કૃષ્ણમૂર્તિને સાચ્ચા સેક્યુલારીસ્ટ ફિલસૂફ તરીકે મરણોત્તર નોબેલ પારિતોષિક આપવું જોઈએ.
---------

“કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ”

હેમેન્દ્ર શાહ

એક મૂર્તિકાર મંદિર માટે મૂર્તિ તૈયાર કરી રહ્યો હતો. એક મુલાકાતી મૂર્તિકારની કલા જોવા માટે ત્યાં આવ્યો. મૂર્તિકાર પોતાના કામમાં વ્યસ્ત હતો. મુલાકાતી પણ સુંદર મૂર્તિ જોઇને આનંદીત થયો.

મૂર્તિકાર જેવી મૂર્તિ ઘડી રહ્યો હતો બીલકુલ તેવી જ એક બીજી મૂર્તિ બાજુમાં જોઇ એટલે મુલાકાતીએ પુછ્યુ, ” આ બાજુમાં પડી છે બીલકુલ એના જેવી જ મૂર્તિ આપ ઘડી રહ્યા છો. આ મંદિરમાં એક સરખી બે મૂર્તિઓ મુકવાની છે ?” મૂર્તિકારે મુલાકાતીને કહ્યુ, ” ના ભાઇ, બે મૂર્તિઓ મુકવાની નથી માત્ર એક જ મૂર્તિ રાખવાની છે. “

મુલાકાતીએ પુછ્યુ, ” તો પછી આ એક સરખી બે મૂર્તિઓ શા માટે ? ” મૂર્તિકારે જવાબ આપતા કહ્યુ, ” આપ જરા મૂર્તિની બાજુમાં જઇને ધ્યાનથી જુવો તો આપને દેખાશે કે મૂર્તિ ઘડતી વખતે નાક પાસે છીણી સહેજ વધુ લાગી જવાથી એક નાનો ટોચો પડી ગયો છે. માટે આ બીજી મૂર્તિ બનાવું છું. “

જવાબ સાંભળીને મુલાકાતી ખડખડાટ હસી પડ્યો. એણે મૂર્તિકારને કહ્યુ, ” ભાઇ, હુ અત્યારે મૂર્તિથી માત્ર ૫ ફુટ દુર છુ અને છતાય મને મૂર્તિમાં કોઇ ખામી નથી દેખાતી તો આ મૂર્તિ મંદિરમાં મુક્યા પછી લોકો એને ૨૦ ફુટ દુરથી જ જોવાના છે તો એને નાનો ટોચો ક્યાંથી દેખાય ? “

મૂર્તિકારે પોતાનું કામ ચાલુ રાખતા કહ્યુ, ” મારા ભાઇ, બીજાને દેખાય કે ન દેખાય પણ મને તો દેખાય જ છે કે મૂર્તિમાં ટોચો છે. મૂર્તિમાં થોડી અધુરાશ છે એ કદાચ બીજા કોઇને ખબર નહી પડે પણ મને તો ખબર છે જ કે મૂર્તિ ખામી વાળી છે. મારા કામમાં નાની પણ ખામી રહે એ મને બીલકુલ પસંદ નથી.”

 આપણે કોઇપણ કામ હાથમાં લઇએ ત્યારે એ કામને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીએ. કામમાં રહેલી નાની ક્ષતિ બીજાના ધ્યાનમાં ન આવે એમ હોય તો પણ એ ક્ષતિને દુર કરીને સંપૂર્ણ ક્ષતિરહીત કામ કરવાની ભાવના આપણને આપણા કામમાં બીજા કરતા જુદા પાડશે.
--------------

“મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે, બીજાના હદયમાં જીવતા રહેવું”

-હેમલ શાહ
એક રાજા હતો. એને મૃત્યુનો ખુબ ડર લાગતો હતો. સંપતિ અઢળક હતી પરંતું મૃત્યુંનો ડર એને સંપતિનો આનંદ લેવા દેતો ન હતો. ગમે તે ભોગે તે મૃત્યુને હડસેલવા માંગતો હતો આ માટે જે ખર્ચ કરવો પડે તે ખર્ચ કરવાની એની તૈયારી હતી.

કોઇએ રાજાને સુચન કર્યુ કે તમે સારામાં સારા ડોકટરને સતત તમારી સેવામાં રાખો એટલે તમને કંઇ પણ થાય તો ડોકટર તાત્કાલિક સારવાર આપીને તમને બચાવી શકે. રાજાએ એમ કર્યુ પણ એને હજુ બીક લાગતી હતી.

કોઇ બીજાએ સુચન કર્યુ કે રાજ્યને ફરતી બાજુ મજબુત કીલ્લો કરી દો અને માત્ર એક જ દરવાજો રાખો. એ દરવાજા પર રાજ્યના બધા સૈનિકોને રાખો જેથી કોઇ આક્રમણ કરી ન શકે અને તમને મારી ન શકે. મોતથી બચવા રાજાએ એમ પણ કર્યુ. છતાય એનું ચિત બેચેન રહેતું હતું.

એકદિવસ કોઇ સંત આ રાજયની મુલાકાતે આવ્યા. રાજાને મળતાની સાથે જ સંતને ખબર પડી ગઇ કે રાજા કોઇ ચિંતામાં છે. એમણે રાજાને ચિંતાનું કારણ પુછ્યુ એટલે રાજાએ પોતાને લાગતા મૃત્યુના ડર વિષેની વાત કરી. સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો મારી પાસે ઉપાય છે.” રાજા તો રાજી-રાજી થઇ ગયો સંતના ચરણ પકડીને કહ્યુ, ” મહારાજ કૃપા કરીને આપ મને મૃત્યુથી બચવા માટેનો માર્ગ બતાવો. “

સંતે રાજાને કહ્યુ, ” મૃત્યુથી બચવાનો માત્ર એક જ ઉપાય છે , બીજાના હદયમાં જીવતા રહેવું. તમારી આ સંપતિના ઉપયોગ દ્વારા કંઇક એવા કાર્યો કરો કે તમે લોકોના હદયમાં કાયમ માટે જીવતા રહો. પછી મૃત્યુ પણ તમને નહી મારી શકે”

 આપણી બુધ્ધિ અને શક્તિઓ ઉપયોગ કરીને આપણે એવા કાર્યો પણ કરી શકીએ કે જેનાથી કેટલાય લોકોના હદયમાં સ્થાન પામીએ અને મૃત્યુને પણ મહાત કરી શકીએ.
-------

 એક ચકી ને ચકો

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
         -------------(Krushna Dave –

હું તો કેવળ નિમિત્ત માત્ર !

-ગુણવંત શાહ
સ્ત્રી હોય તેનાં કરતાં અધિક સોહામણી ક્યારે લાગે ?
માથે બેડું લઇને લચકાતી ચાલે સામેથી આવતી પનિહારી, હોય તેના કરતાં અધિક સુંદર દીસે છે. માથે બેડું હોય ત્યારે ચાલ બદલાઇ જાય છે. સંતુલન અને સંવાદિતાનું મિલન થાય ત્યારે સૌંદર્ય પ્રગટ થતું દીસે છે. ગાગરમાંથી છ્લકાયેલું પાણી કાયા પર ઢ્ળેલું હોવાથી સૌંદર્ય પણ સહેજ ભીનું બને છે. ચહેરા પર લોહી ધસી આવે, તેથી એ અધિક સોહામણો દેખાય છે. માથે બેડું હોવા છતાં બે હાથ છૂટાં રાખીને પનિહારી ચાલે ત્યારે સાક્ષાત કવિતા ચાલતી હોય એવું લાગે.
મુગ્ધતા સ્ત્રીના ચહેરાનો શૃંગાર છે. મુગ્ધતા એટલે કુંવારું કુંવારું અપ્રદુષિત પાગલપણું. આવું પાગલપણું નવોઢાના ચહેરાનો શણગાર છે. ચહેરા પરથી કશુંક ઠલવાતું જણાય છે. પ્રમાણમાં ઓછી સુંદર સ્ત્રી પણ ક્યારેક મુગ્ધતાને કારણે નમણી લાગે છે.
ઢળતી ઉંમરે મુગ્ધતા ધીરે ધીરે ઓસરે છે. ફૂલમાંથી ફળ પ્રગટે તેમ મુગ્ધતામાંથી પ્રગલ્ભતા પ્રગટ થાય છે. ઉંમરે વધે તે સાથે પરિપક્વતા આવે, ત્યારે ખબર પડી જાય છે કે ભૂતપૂર્વ મુગ્ધતાનું જ આ રમણીય રૂપાંતરણ છે. પ્રગલ્ભતા આકર્ષણને અકબંધ રાખે છે. પ્રગલ્ભતા એટલે પ્રતિભાનો મનોહર નિખાર. સુંદર સ્ત્રી હોવું એ જેવીતેવી વાત નથી; પરંતુ સુંદર હોવા સાથે સમજુ હોવું, એ તો સ્ત્રીની અનોખી અમીરાત છે.
મનુષ્ય સિવાયનું બીજું કોઇ પ્રાણી શરમ અનુભવતું જાણ્યું નથી. શરમની લાગણી થવી, એ તો મનુષ્યને પ્રાપ્ત થયેલું અત્યંત નાજુક વરદાન છે. સ્ત્રીની લજ્જા મનુષ્યતાનું મહામૂલું ઘરેણું છે. શરમાળ સ્ત્રી, હોય તેનાં કરતાં અધિક સુંદર દીસે છે. સ્ત્રીની શોભા મંગળસૂત્રથી વધે, તેના કરતાં શરમના શેરડાથી અધિક વધે છે.
સમાજમાં ટકી રહેલી બે આંખની શરમ માણસાઇની આધારશિલા છે. જેને લોકો ધર્મ કહે છે, તેનું કાળજું મે આંખની શરમમાં રહેલું છે. બે આંખની શરમ એટલે મર્યાદાની માવજત, જગત આખું મર્યાદા પર નભેલું  છે. ગ્રહો, ઉપગ્રહો અને તારાઓ પોતાની ભ્રમણકક્ષા છોડીને આમતેમ અટવાતા નથી. સમુદ્ર મર્યાદા પાળીને સદીઓથી મોજાંને રમાડતો રહ્યો છે. પરિવારના પાયામાં મર્યાદા રહેલી છે. પરિવારમાં બે આંખની શરમ ખૂટી પડે ત્યારે જ દહેજ-મૃત્યુ શક્ય બને છે. બધી મર્યાદા ખતમ થાય ત્યારે યુધ્ધ થાય છે. આ બધી દુર્ઘટનાઓ દ્વારા માણસની બેશરમી પ્રગટ થતી હોય છે. બેશરમી એટલે મર્યાદાલોપ.
--------------------


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ