ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ

-શૈલેષ રાઠોડ ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું. ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયાં હતા પરંતુ ગાંધીજી અને સરદાર પેટેલ આ આંદોલનને ગુજરાતીઓની સ્થાનીક ચળવળ બનાવી રાખવા ઈચ્છતા હોવાથી તેમણે દેશના અન્ય પ્રાંતોમાંથી લોકોનો આ વિદ્રોહમાં જોડાવાનો વિરોધ કર્યો. ખેડૂતોએ ચાલુ વર્ષે અતિવૃષ્ટિ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાક નિષ્ફળ જવાના કારણે કરવેરો માફ કરવા માટેની એક અરજી પર હસ્તાક્ષર કરી કોર્ટમાં એક મુકદ્દમો દાખલ કર્યો. મુંબઈ સરકારે આ અરજી ફગાવી દીધી. સાથે જ સરકારે ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ ખેડૂતો કરવેરો નહિ ભરે તેમની જમીન તથા અન્ય સંપતિ જપ્ત કરવામાં આવશે તથા કોઇપણ રીતે પાછી આપવામાં આવશે નહિ. જોકે સરકારની આ ચેતવણી છતાં ખેડૂતો પોતાની માંગ પર અડીખમ રહ્યાં. ઇતિહાસના જાણકાર નડિયાદના સિધ્ધાંત મહંતે જણાવ્યું હતું કે,આ ચળવળમાં એકતા અને શિસ્તનું અજોડ પ્રદર્શન થયું. તેમનાં ઘર, જમીન, ઢોર તથા આજીવિકાના અન્ય સ્રોત છીનવી લેવા છતાં મોટા ભાગના ખેડૂતો શાંત રહ્યાં અને સરદાર પટેલને મજબૂત ટેકો આપ્યો. દેશના અન્ય ભાગમાં રહેતાં ગુજરાતીઓએ વિદ્રોહ પ્રત્યે સહાનૂભૂતિ દર્શાવતાં સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો અને ચળવળમાં ભાગ લેનારા ખેડૂતોના પરિવારોને ખોરાક, રહેવાની સગવડો કરી આપી. ખેડા સત્યાગ્રહની વિશેષતા એ હતી તે અહિંસક હતો અને અંગ્રેજ સરકારના એજન્ટોના જોરજુલમ છતાં મહાત્મા અને સરદારના નેતૃત્વમાં ખેડાના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે લડીને મહેસુલ મોકૂફ કરાવ્યું હતું.સમાધાન એવું થયું હતું કે પૈસાદાર પાટીદારો મહેસુલ ચૂકવે અને ગરીબોને મહેસુલમાંથી માફી આપવામાં આવી. બોરસદ સત્યાગ્રહ એ ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા બોરસદ તાલુકામાં, ઈ.સ. ૧૯૨૨-૨૩માં અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા અન્યાયી "હૈડિયા વેરા"ના વિરોધમાં યોજવામાં આવેલો સત્યાગ્રહ હતો. આ સત્યાગ્રહની આગેવાની કરવા મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને જણાવ્યું હતું. આ સત્યાગ્રહ ૩૮ દિવસ ચાલ્યો હતો[૨] અને છેવટે સરકારે "હૈડિયા વેરો" નાબુદ કરવો પડ્યો હતો. અંગ્રેજ સરકારનું પોલીસ ખાતું આ બહારવટીયાઓને પકડવામાં નિષ્ફળ રહ્યું અને તેમને લોકો ઉપર ઊલટો આરોપ મુક્યો કે લોકો જ બહારવટીયાઓ સાથે ભળેલા છે. લોકોના સંરક્ષણ માટે રોકાયેલ વધારાની પોલીસનો ખર્ચ સરકારે લોકો પાસેથી એક સમયના શિક્ષાત્મક કર તરીકે વસૂલ કરવાનો ઠરાવ કર્યો. આ કર લોકોમાં "હૈડિયા વેરો" નામે પ્રસિદ્ધ થયો. આવા પક્ષપાતી વિરુદ્ધ લોકોમાં ઘણો અસંતોષ ફેલાયો. લોકો ગાંધીજી અને સરદાર પટેલ પાસે આ અન્યાયી કરની ફરિયાદ લઈને પહોંચ્યા. ગાંધીજીના નિર્દેશન હેઠળ સરદાર પટેલે લોકોને તે કર ન ભરવા સૂચના આપી. આ સાથે ૨૦૦ સ્વયં સેવકોની ભરતી કરીને પોતાના ગામડાઓની સુરક્ષા પોતે હાથમાં લેવા માટે પણ પટેલે જણાવ્યું. સરદાર પટેલે બોરસદ પહોંચી આ લડતનું સુકાન સંભાળ્યું અને ૨ ડિસેમ્બર ૧૯૨૩ના દિવસે સત્યગ્રહની શરૂઆત થઈ. તેમણે સ્વયંસેવકોને પલટનોમાં વિભાજીત કર્યા. સ્વયંસેવકોએ અહિંસક માર્ગે ગામડાઓનું રક્ષણ કરવાનું હતું. સમય સમય પર પત્રિકાઓ છાપી લોકોનો ઉત્સાહ જાળવવા અને ચળવળ સંબંધે માહિતી લોકોને પહોંચાડવામાં આવતી. કર વસૂલી માટે મિલકતો જપ્ત કરવાના સરકારી દમનનો શાંતિ પૂર્વક મુકાબલો કરવા તેમણે લોકોને ભલામણ કરી.
બન્ને સત્યાગ્રહના મુખ્ય નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલ હતા તેમની સાથે લોકોને પ્રેરણા આપવામાં રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાએ ગામડે ગામડે જઈ વાસ્તવિક સ્થિતિ, લોકોને જાગૃતિ આદિનો ક્યાસ કાઢ્યો હતો. આ સાથે મણિબેન પટેલે સ્ત્રીઓને સત્યાગ્રહમાં જોડાવવા કાર્ય કર્યું હતું. સરકારના બહારવટિયા સાથેની સાંઠગાંઠના આરોપો સાંભળીને ઉદાર મત ધરાવતા તે સમયના ગવર્નર લેસ્લી વિલ્સન વિચલિત થયા. તેમણે તે જ સ્થળે તપાસ માટે મોરિસ હેવર્ડ નામના અધિકારી (હોમ મેમ્બર)ને મોકલ્યા. તેમણે કમિશનર, કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી અને એક ખુલ્લી અદાલત ગોઠવી. તેમાં ઠરાવેલા ૧૫૦ લોકોને બોલાવવામાં આવ્યા. બધી દલીલો સાંભળી, આ લડતના ઉદ્દેશ વિષે ખાતરી થતા તેમણે જપ્તિ લેવા પર તુરંત બંદી મુકાવી. ૮ જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે આ કર નાબુદ કરવામાં આવી. ત્યાર બાદ બાબરદેવા, અલિયો દાભલો ડાહ્યો બારિયો, રાજલો જેવા બહારવટીયાઓની ધરપકડ કરવામાં આવી. ૧૯૨૪ની શરૂઆતમાં અલિયાને અને ૧૯૨૪ના અંતમાં બાબરાને ફાંસીની સજા થઈ. રવિશંકર મહારાજના પ્રયત્નોથી છેવટે બારૈયા અને પાટન વાડીયા જાતિના લોકોને પોલીસ થાણામાં આપવી પડતી હાજરીથી મુક્તિ મળી અને સ્વમાન પાછું મળ્યું. લોકોએ સત્યાગ્રહની જીતની ઉજવણી ૧૨ જાન્યુઆરીના દિવસે કરી. તેમાં લગભગ ૩૦,૦૦૦ લોકોએ ભાગ લીધો. છેક અમદાવાદ અને મુંબઈથી લોકો આ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા. આ લડતની સફળતા પછી ગાંધીજીએ સરદારને બોરસદના સુબા તરીકે બિરદાવ્યા. ગાંધીજી પોતાના યંગ ઈંડિયા નામના પત્રમાં લખ્યું: "ખેડા અને બોરસદમાં મળેલી સફળતા વલ્લભભાઈની આયોજન અને વહીવટી આવડતને આભારી છે. આમ કરતા તેમણે પોતાની આસપાસ તેવી વિચારધારા ધરાવતા અનુયાયીઓની ફોજ ઉભી કરી છે. બોરસદ સત્યાગ્રહ એ લોકો દ્વારા પ્રેરિત અને લોકોએ ચલાવેલ ચળવળનું જ્વલંત ઉદાહરણ છે." -શૈલેષ રાઠોડ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ