ફિલ્મોમાં શિક્ષણ અને ઇનોવેશન
થોડા સમય પહેલા છેલ્લી સિઝનના 'કૌન બનેગા કરોડપતિ'માં પ્રથમ કરોડપતિ એક મહિલા શિક્ષક બન્યાં અને તે પણ જેમની આંખોની રોશની સાવ ઝાંખી થઈ ગયેલી હતી! પરંતુ જે ઉમંગ અને ઉત્સાહથી એ હિમાની બુંદેલા પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે,તેનાથી આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એસ. રાધાકૃષ્ણનની સ્મૃતિ તાજી થઈ ગઈ; જેમનો જન્મદિનપાંચમી સપ્ટેમ્બરે હોય છે. તે પણ પોતાના વિદ્યાર્થીઓને એટલો આદર આપતા કે તેમને ત્યાં ભણવા આવેલા સ્ટુડન્ટને એ દરવાજા સુધી મૂકવા જતા! તેમનો બર્થડેવર્ષોથી આપણે ત્યાં 'ટીચર્સ ડે' તરીકે ઉજવાય છે.
ડૉક્ટરરાધાકૃષ્ણન જેટલા આધ્યાત્મિકતા અને તેનાં વિવિધ પાસાંના બ્રિલિયન્ટ અને જ્ઞાાની અભ્યાસી કદાચ જ કોઇ થયા છે. વિશ્વમાં પણ લિટરેચર માટે નોબેલ પ્રાઇઝની ઉમેદવારી ૧૬ વખત મેળવનારા કદાચ એ એકમાત્ર આધુનિક ઋષિ હશે! એક સમયે સ્કૂલમાં શિક્ષકો ગૌરવપૂર્વક કહેતા કે આપણા રાષ્ટ્રપતિ વિદેશમાં બોલવા ઉભા થાય ત્યારે, અંગ્રેજોને પણ ડિક્શનેરી લઈને બેસવું પડે છે!એટલે આપણે ડૉક્ટર રાધાકૃષ્ણનના અને હિમાની બુંદેલાના સહારે હિન્દી ફિલ્મોમાં શિક્ષક અને વિદ્યાર્થીની મજબૂત સાંકળમાં જોડી દઈએ.હિમાનીની જેમ જ 'હિચકી'માં રાની મુખર્જીએ પણશારીરિક પડકાર છતાં ટીચર તરીકે કામ કરવાની જીદ રાખતી અસાધારણ મહિલાનીભૂમિકા નિભાવી હતી.
એ જ રાની મુકરજી'બ્લેક'માં અમિતાભ બચ્ચનની સ્ટુડન્ટ બને છે. બન્ને કલાકારોને ચક્ષુહીન બનવાનું હોઇ તેમની અભિનય પ્રતિભાની એવી કસોટી તે અગાઉ ભાગ્યે જ થઈ હતી.તો અમિતાભ બચ્ચનને શિક્ષકમાંથી પ્રમોશન મળ્યું હોય એમ'મોહબ્બતે'માં તે એક ગુરુકુળના આચાર્ય બને છે. તેમની કડક શિસ્તમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રેમના પાઠ ભણાવતા ટીચર તરીકે શાહરુખ ખાન 'લવગુરુ' તરીકે પોતાનો કક્કો ખરો કરાવી જાય છે. શાહરુખના પૂર્વજ જીતેન્દ્ર કહી શકાય. કેમ કે ગુલઝારના 'પરિચય'માં એ પણ એક શિસ્ત પાલનના આગ્રહી કડક દાદાજી (પ્રાણ)ના ઘરમાં પોતાના પ્રેમભર્યા વર્તાવથી ઘરના બાળકોને (અને ખાસ તો તેમની દીદી જયા ભાદુરીને!) અઘરા લેસન ભણાવવામાં સફળ થાય છે.
ગુલઝારે બાળકો અને ભણતરને કેન્દ્રમાં રાખીને બનાવેલી 'કિતાબ' ફિલ્મમાં 'માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી...'માં કવિએ કરાવેલી 'વીઆઇપી બનિયાન'ની મજા હોય કે પછી 'ગંગા જમના'માં વિદ્યાર્થીઓને નીતિમત્તાના પાઠ ભણાવતા શિક્ષકના મુખે ગોખાવાતા શબ્દો, 'ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલ કે, યે દેશ હે તુમહારા નેતા તુમ્હી હો કલ કે' સ્કૂલી ગાયનોમાં આપણે ત્યાં વિવિધતા ઘણી રહી છે. તેમાં રાજ કપૂરના 'શ્રી ૪૨૦'માંનરગીસ પૂછે છે એવાં અઘરાં ઉખાણાં પણ છે. 'ઇચક દાના બીચક દાના...'માં 'મોર' ની ક્વિઝમાં આવી હિન્ટ હોય છે,'એક જાનવર ઐસા, જિસ કી દૂમ પર પૈસા'!તો 'મકાઇ'નો સવાલ કેવો? 'હરીથી મન ભરી થી, લાખ મોતી જડી થી, રાજાજી કે બાગમે, દુશાલા ઓઢે ખડી થી'!
એ રીતે ઇન્ટેરેસ્ટિંગ પ્રવૃત્તિઓની મદદથી ક્રિએટિવ થઈને ભણવું એ આમિર ખાનની 'થ્રી ઇડિયટ'નો સાર હતો. ગોખણપટ્ટીથી પસાર કરેલી પરીક્ષાઓ સામે જીવનના અનુભવો અને કંઈક ઉફરા થઈને વિચારવાની ઘેલછા પણ ક્યારેક વૈજ્ઞાાનિક ફુન્સુખ વાંગડુ ઉર્ફે રણછોડદાસ ચાંચડ ઉર્ફે રાંચો સર્જતી હોય છે. આમિર'તારે જમીન પર'માં શિક્ષક તરીકેપોતાના વિદ્યાર્થીઓને અલગ રીતે વિચારતા કરવા માટે ગાય છે એ ગાયન 'બમ બમ બોલે, મસ્તી મેં ડોલે'માં કેવી કેવી કલ્પનાઓ પ્રસુન જોશીની કલમેથી નીકળી હતી, યાદ છે ને? 'ભલા મછલિયાં ભી ક્યું ઉડતી નહીં હૈ, ઐસે ભી સોચો ના?' અને તેની ધ્્રુવ પંક્તિ કદાચ આખા પિક્ચરનો સાર હતી, 'ખુલકે સોચો આઓ, પંખ જરા ફૈલાઓ'! હિન્દી સિનેમામાં ટીચરનાં જે મજબૂત પાત્રો પ્રસ્તુત થયાં છે, જેમાં સૌથી મજબૂત કદાચ મહેશ ભટ્ટના'સર'માં નસરુદ્દીનનું હતું. તેમાં 'વેલજીભાઇ' બનતા પરેશ રાવલના અદભુત અભિનયને લીધે તે એક અવિસ્મરણીય કૃતિ બની શકી હતી.તેનું ગાયન 'સરઓ સર, વી લવ યુ' હોય કે 'છપ્પન ટિકલી' ગુલશન ગ્રોવરનો ગેટઅપ રસપ્રદ પાઠની જેમ યાદ રહી જાય એવા હતા. એ જ ક્રિએટિવ વિચારો નવા સમયની ફિલ્મોને લાગુ પડી શકે એવી કૃતિઓ સર્જાઇ છે.
તમે શબાના આઝમી અને જુહી ચાવલાની 'ચૉક એન્ડ ડસ્ટર' જુઓ કે ઇરફાનની 'હિન્દી મિડિયમ' શિક્ષણ વ્યવસ્થા ઉપર વેધક નજર નાખવાનું પૂણ્યકાર્ય સિનેમાનું માધ્યમ કરે જ રાખે છે. હિન્દી સિનેમા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખવા એ કાંઇ નવું સત્કાર્ય નથી. ઠેઠ 'જાગૃતિ'ના સમયથી એવો જ્ઞાાનયજ્ઞા ચાલે જ છે. તેમાં ટીચર બનતા અભિ ભટ્ટાચાર્ય પોતાના વિદ્યાર્થીઓને જે પ્રકારની તાલીમ આપે છે એ જે તે સમયના વાતાવરણમાં દેશ પ્રેમ જગાવવાનું અગત્યનું કામ હતું. 'જાગૃતિ'નાં મોટા ભાગનાં ગીતો આજે પણ સાંભળવા ગમે તેવાં છે. પરંતુ, તેમાંનું'આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંખી હિન્દુસ્તાનકી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી...' કદી જુનું થાય એવું નથી.તેમાં ભારતનાશુરવીરોની ગૌરવગાથાના ઇતિહાસની ઝલકિયાં કવિશ્રી પ્રદીપજીએ આબાદ ઝીલી હતી.'જાગૃતિ'ની જાણવા જેવી એક વાત એ પણ છે કે તે એક બંગાળી ફિલ્મ 'પરિવર્તન' ઉપરથી બની હતી,જે ઠેઠ ૧૯૪૯માં રીલિઝ થઇ ગઇ હતી. મતલબ કે આઝાદી મળ્યાના બે જ વર્ષમાં ભારતીય સિનેમાના સર્જકો શિક્ષક દ્વારા દેશને જગાડવા માટે કેટલા જાગૃત હતા. વિશ્વના તમામ ટીચર્સને સાદર વંદન!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો