*કર્મયોગ : આધુનિક માનવની શાંતિની શોધનો શાસ્ત્રો દ્વારા કંડારીત નિશ્ચિંત માર્ગ*
*કર્મયોગ : આધુનિક માનવની શાંતિની શોધનો શાસ્ત્રો દ્વારા કંડારીત નિશ્ચિંત માર્ગ*
-સિધ્ધાર્થ પટેલ
“જે વ્યક્તિ અકર્મમાં કર્મ અને કર્મમાં અકર્મ જોઈ શકે છે, તે ખરેખર વિદ્વાન છે” – ભગવદ ગીતા (૪.૧૮)
ઉપરના વાક્યમાં વિરોધાભાસ જરૂર દેખાય છે, પણ જો તેને સમજી લેવામાં આવે તો તે આધુનિક અનેક સમસ્યાઓનું સમાધાન બની શકે છે.
*કર્મવિજ્ઞાનનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ:*
જગતના
કોઈ પણ કાર્યને જો સફળતાપૂર્વક પર પાળવું હોય, તો તે માટે જરૂરી છે
કુશળતા. આમ કર્મયોગ પણ એક જીવવાની કુશળતા જ છે. “યોગઃ કર્મસુ કૌશલમ” (ભગવદ
ગીતા – ૨.૫૦) જેનો અર્થ થાય છે “યોગ એ કાર્યમાં કુશળતા છે.” આ કુશળતા છે
જીવવાની, કુશળતા છે શાંતિ મેળવવાની, કુશળતા છે સફળ થવાની, કુશળતા છે
અધ્યાત્મિક બુલંદીઓ પ્રાપ્ત કરવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાની.
આપણું
દુર્ભાગ્ય એ છે કે પશ્ચિમીકરણના ધૂમાડામાં આપણી આંખો આ મૂળભૂત સિદ્ધાંતો
તરફ નજર દોડાવી શકતી નથી. આ અજ્ઞાનને કારણે તો અર્જુન પણ વિશ્વના સૌથી ભીષણ
યુદ્ધ મહાભારતના સમયે પણ યુદ્ધ શરૂ થતાં પહેલા જ સામા પક્ષે સગા-વ્હાલાને
જોઈને હથિયારો હેઠા ફેંકવા મજબૂર થયો હતો.
કોઈ પણ
કાર્ય કરવાનું પ્રેરકબળ હોય છે, મનની શાંતિ અથવા આનંદની અનુભૂતિ. વિશ્વના
સૌથી અમીર વ્યક્તિ એમાઝોનના ફાઉન્ડર જેફ બેઝૉસથી લઈને સ્લમમાં જીવતા
છેવાડાના મનુષ્ય સુધી બધા આ જ હેતુથી કર્મ કરે છે. પરંતુ જુઓ આપણા કર્મની
કુશળતાનું પરિણામ, વિશ્વમાં દર ૪૦ સેકન્ડે એક આત્મહત્યા અને ૩૦ કરોડ કરતાં
વધુ ડિપ્રેસનના દર્દીઓ. દરેક મનુષ્યના દુઃખ એ કર્મવિજ્ઞાનનું જ્ઞાન ના
હોવાનું મૂળભૂત પરિણામ છે.
*કર્મયોગનું વિજ્ઞાન:*
અહીં
આપણી પાસે બે શબ્દો છે, કર્મ અને યોગ. કર્મ એટલે મનુષ્ય દ્વારા સંપૂર્ણ
સભાનતા સાથે કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ. આ વ્યાખ્યામાં સંપૂર્ણ
પ્રવૃત્તિ જેમ કે સવારે ઉઠવાથી લઈને, દૈનિક ક્રિયા, અર્થઉપાર્જનનિ
પ્રવૃત્તિથી લઈ રાતે સૂઈ જવા સાથેની બધી જ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
જ્યારે યોગનો સીધો અર્થ થાય છે આત્માનું પરમાત્મા સાથે મિલન. પણ કર્મયોગના
સંદર્ભમાં કહી શકાય કે “કાર્ય કરવાની કુશળતા.”
દરેક
કર્મના પરિણામો ત્રણ સ્તરે મળતા હોય છે. એક છે ત્વરિત પરિણામ. જેમ કે એક
વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરે છે, તો ત્વરિત પરિણામ એ છે
કે તે બીજો વિદ્યાર્થી આ મદદથી પરીક્ષામાં સારા માર્કસ લાવી શકે છે. બીજું
છે મનમાં ઉત્પન્ન થયેલ સંસ્કાર. જે હેતુથી જે તે કાર્ય કરાયું હશે તેનો એક
સંસ્કાર મગજમાં બને છે, જેમ કે જો તે અભ્યાસની મદદ કોઈ પરિણામની આશા વગર
રખાયું હશે તો તેવો એક સંસ્કાર બનશે જે તેને આગળ પણ નિષ્કામ કર્મ કરવા મદદ
કરશે. ત્રીજું છે કર્મ ફળ. જો તે કાર્ય ભવિષ્યમાં તેને મદદ મળી રહેશે તે
આશયથી કરાયું હશે, તો હિન્દુ શાસ્ત્રો અનુસાર તે ભવિષ્યના અમુક વર્ષોમાં
અથવા તો પછીના જન્મમાં પણ તે કર્મ ભોગવવું પડશે. એટલે કે પોતાના કર્મથી
કમાયેલા ફળ મેળવવા ફરી જન્મ લેવો પડશે.
*આ કર્મને કુશળતાથી કરવાનો અથવા કર્મબંધન તોડવાનો માર્ગ શું છે?*
જો
કર્મ જ દુઃખનું કારણ હોય તો શું કર્મ ત્યજી દેવું જોઈએ? ના, કર્મ એ ટાળવું
તો અશક્ય જ છે, ભલેને પછી તે વ્યક્તિ હિમાલયની તળેટીઓમાં એકલો પણ કેમ ના
રહેતો હોય. યાદ રાખીએ, કર્મશીલતા એ જ જીવન છે જ્યારે અકર્મણ્ય તો મોત સમાન
છે. તળાવનું પડી રહેલું પાણી પણ મલિન થાય છે, જ્યારે વહેતી નદીનું પાણી
હંમેશા નિર્મળ અને આહલાદક હોય છે. આ રીતે આપણે પણ નદીની જેમ ગતિનો માર્ગ જ
પકડવાનો છે.
અહીં જરૂર છે
કર્મને આધ્યાત્મ સાથે જોડવાની. એટલે કે કર્મના ફળને ત્યજવાની. સાપ ભલે ગમે
તેટલો ઝહેરીલો હોય, પરંતુ જો તેમાંથી ઝહેર નીકાળી લેવામાં આવે તો તે સાપ
આપણને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી. તેવી જ રીતે, જો કોઈ કર્મ પરિણામની
અપેક્ષા વિના કરવામાં આવે તો તે કર્મ પણ આપણને કોઈ નુકસાન પહોંચાડી શકતું
નથી. કારણ કે તેનું સીધું કારણ છે કે તમારું ચિત્ત તેવું કરવાથી બહારની
ઘટનાઓથી કોઈ પણ પ્રકારે વિચલિત થવાનું નથી. બીજા હાથે આધ્યાત્મમાં વિશ્વાસ
ધરાવતા લોકો માટે, કર્મફળની ઈચ્છા એ જ જન્મ – મૃત્યુના ચક્રનું કારણ. જો
સારા કે ખરાબ, કોઈ પણ પ્રકારના કર્મના ફળની અપેક્ષા રાખી હશે, તો તેના ફળ
ભોગવવા ફરી જન્મ લેવો પડતો હોય છે અને દુઃખની આ પ્રક્રિયામાં ફરી સહભાગી
થવું પડે છે. અહી ફળની અપેક્ષા ત્યાગ કરતાં આપણને આ બંધનમાંથી મુક્તિ મળે
છે અને આપણે મોક્ષ તરફ પ્રયાણ કરીએ છે.
પ્રશ્ન
થાય તો શું જીવનમાં કોઈ ધ્યેય જ ના રાખવો જોઈએ? યાદ રહે, ધ્યેય તો રાખવાનો
જ છે, અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે આપણા સમગ્ર અસ્તિત્વ અને શરીરના દરેક
કણને એ ધ્યેય પ્રાપ્તિ માટે કાર્યમાં લગાવવાનું જ છે, પરંતુ ફળ જે આવે તે
કોઈ પણ ખચકાટ વિના સ્વીકારી લેવાનું છે, અને હા નિષ્ફળતા મળે તો તેના કારણો
જાણવાનો પ્રયાસ પણ જરૂર કરવાનો છે.
ફળની અપેક્ષા કેમની છોડવી?
ફળની
અપેક્ષા વગર કાર્ય કરવું એ ઘણી કઠિન તપસ્યા છે. ફળ ત્યાગ કરવાના મુખ્ય બે
ઉપાય છે. પહેલો અને સૌથી શ્રેષ્ઠ ઉપાય તો આપણા ઘરના ઘરડાઓના મુખેથી ઘણી વાર
સાંભળ્યો હશે. તે છે, “ઈશ્વર ને ગમ્યું તે ખરું”, આને કહેવાય સમર્પણભાવ.
આપણે આપણું દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરી શકીએ, જેમ કે શરીરની સંભાળ રાખતા
આપણે એવી ભાવના રાખી શકીએ કે આ શરીર ઈશ્વરનું છે અને હું ઈશ્વરે આપેલ
શરીરની સંભાળ રાખી રહ્યો છુ. ઘરના કામ માટે બહાર નીકળીએ ત્યારે આપણા ઇષ્ટને
કહીએ તમારા કાર્ય માટે બહાર જાઉં છુ, વહેલો પાછો આવીશ. જ્યારે ઘરે પાછા
આવીએ ત્યારે આપણા ઇષ્ટને કહીએ કે મેં આજે આ કાર્ય કર્યું છે, આ કાર્ય અને
તેનું ફળ હું તમારા શ્રી ચરણોમાં સમર્પિત કરું છુ. મહાન કથાકાર ડોંગરેજી
મહારાજ કહે છે કે દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરવાથી આપણું ચિત્ત શુદ્ધ થાય
છે અને તે આપણને ઈશ્વરના સાક્ષાત્કાર કરાવે છે.
બીજો
માર્ગ છે સાક્ષીભાવ. આ જેઓ ઈશ્વરમાં ના માનતા હોય તેઓ પણ આ માર્ગ અનુસરી
શકે છે. આ માર્ગમાં કર્તાએ ફક્ત કર્તાભાવ ત્યજવાનો છે, એટલે કે તેના દ્વારા
જે કાર્ય થાય છે તેનો કોઈ પણ પ્રકારે શ્રેય લેવાનો નથી, દરેક સામાન્ય
મનુષ્યની જેમ પોતે નિર્ણય લઈને કર્મતો કરવાનું પણ ફક્ત કરતપનનું ઝહેર
કાઢીને. તેણે ફક્ત એક સાક્ષી તરીકે તે કાર્ય નિહાળવાનું છે અને તેના ફળની
અપેક્ષાથી અબાધિત રહેવાનુ છે.
ઉપર
રહેલા બંને માર્ગ અનુસરવાથી બહાર થતાં કોઈ પણ પ્રવૃત્તિથી તમારું મન
વિચલિત નહીં થાય, એટ્લે કે કોઈ સુખ – દુઃખ, તડકો – છાયો કે ગરમી – વરસાદ
તમારા મનની શાંતિને અસર નહીં કરી શકે અને તમે હંમેશા પ્રસન્ન ચિત્ત, જેને
ભગવદ ગીતમાં ‘સ્થિતપ્રજ્ઞ’ પણ કહે છે, તે ભાવ પ્રાપ્ત કરી શકશો અને
અધ્યાત્મની બુલંદીઓ પણ પ્રાપ્ત કરી શકશો.
લેખક:સિધ્ધાર્થ પટેલ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો